તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 27th March 2026
શું તમે જાણો છો? ૩૬ પ્રકારનાં માટીનાં માટલા હોય છેઃ દરેકનો અલગ અલગ ઉપયોગ
આધુનિક ટેકનોલોજી અને ફ્રિજના જમાનામાં પણ સૌરાષ્ટ્રની ધરતી પર એક પ્રાચીન પરંપરા આજે પણ એટલી જ ઠંડક પ્રસરાવી રહી છે. માટીકામ એ માત્ર વ્યવસાય નથી, પણ સંસ્કૃતિનો જીવંત વારસો છે : રાજકોટના અનુભવી કારીગર કિશોરભાઈ લાઠિયા આજે પણ તેમના પૂર્વજોની પરંપરાને વળગી રહીને ૩૬ પ્રકારના માટીના વાસણો બનાવી રહ્યા છે. ૨ થી ૩ પ્રકારની માટીના ખાસ મિશ્રણથી તૈયાર થતા આ માટલામાં કુદરતી રીતે પાણી કેમ ઠંડું થાય છે અને આપણા પૂર્વજો કયા વિવિધ વાસણોનો ઉપયોગ કરતા હતા

રાજકોટ તા.૨૭: સૌરાષ્ટ્રની ધરતી પર માટીકામ માત્ર એક વ્યવસાય નથી, પરંતુ પરંપરા, સંસ્કૃતિ અને જીવનશૈલી સાથે જોડાયેલ એક વારસો છે. ગરમીના દિવસોમાં દેશી માટલાનું પાણી પીવાની પરંપરા આજે પણ એટલી જ જીવંત છે જેટલી વર્ષો પહેલાં હતી. આધુનિક ફ્રિજના સમયમાં પણ માટલાનું પાણી પોતાની કુદરતી ઠંડક અને સ્વાદ માટે ઓળખાય છે. આ પરંપરાને આગળ ધપાવતા કિશોરભાઈ લાઠિયા જેવા કારીગરો આજે પણ માટીમાંથી જીવનને સ્પર્શતા વાસણો તૈયાર કરી રહ્યા છે.
માટીકામ સાથે જોડાયેલા કિશોરભાઈ લાઠિયાએ જણાવ્યું હતું કે, પાણી ભરવાનું માટલું દેશી માટીમાંથી બનાવવામાં આવે છે. એક જ પ્રકારની માટીથી નહીં, પરંતુ ૨ થી ૩ પ્રકારની માટીને મિક્સ કરીને માટલા તૈયાર કરવામાં આવે છે. આ ખાસ મિશ્રણના કારણે માટલામાં સૂક્ષ્મ છિદ્રો રહે છે, જેના કારણે પાણી ધીમે ધીમે બહાર નીકળે છે અને કુદરતી રીતે ઠંડુ થાય છે. આ જ કારણ છે કે માટલાનું પાણી ફ્રિજના પાણી કરતા વધુ સ્વસ્થ અને સ્વાદિષ્ટ માનવામાં આવે છે.
કિશોરભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, તેમના બાપદાદાના સમયમાં ૩૬ પ્રકારના માટલાઓ બનાવવામાં આવતા હતા. જેમાં ચારણીયું, ઢાંકણીયું, મોભીયું, કુરિયું, કટોરું, રામયું, ગોરો, ગાગર, ભભલી, માટલું, મટકું, કુંડું, ઘડું, લોટું, ચીકું, દિયું, હંડિયું, સૂરાહી, કળશ, કુંભ, તપેલિયું, ઢોળિયું, પરોઢિયું, ધાણિયું, છાસિયું, દહીંયું, પાણીયું, અથાણિયું, બીજિયું, તુલસીયું, ગોળિયું, ધૂપિયું, હવનિયું, ચુલિયું, નાળિયું અને થાળિયું જેવા વિવિધ પ્રકારના વાસણોનો સમાવેશ થાય છે. આ બધા વાસણો અલગ અલગ ઉપયોગ માટે બનાવવામાં આવતા હતા, જે આપણા પરંપરાગત જીવનનું પ્રતિબિબ દર્શાવે છે.
હાલમાં કિશોરભાઈ દહીં બનાવવા માટેના માટીના વાસણો, શાક વઘારવા માટેના પાત્રો, તાવડી, ગરબા તેમજ વિવિધ આકાર અને ડિઝાઇનના માટલાઓ બનાવે છે. તેઓ ખેતરાવ માટી સાથે કાળી અને લાલ માટીને મિક્સ કરીને મજબૂત અને ટકાઉ વાસણો તૈયાર કરે છે. ત્યારબાદ આ વાસણો પર ગેરૂ અને સફેદ રંગથી સુંદર ડિઝાઇન કરવામાં આવે છે, જે તેને આકર્ષક બનાવે છે.
માટલા બનાવવાની પ્રક્રિયા પણ એટલી જ રસપ્રદ છે. સૌથી પહેલા અલગ અલગ પ્રકારની માટીને ભેગી કરીને ગારો બનાવવામાં આવે છે. ત્યારબાદ તેને ઘડીને માટલાનું આકાર આપવામાં આવે છે. આકાર આપ્યા પછી તેને સૂર્યપ્રકાશમાં સૂકવવામાં આવે છે. સૂકાઈ જાય પછી તેના પર ડિઝાઇન કરવામાં આવે છે અને ફરી એકવાર તેને સૂકવવામાં આવે છે. આખી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તૈયાર થાય છે એક સુંદર અને ઉપયોગી માટલું. દેશી માટલાનું પાણી પીવાથી શરીરને ઠંડક મળે છે, પાચન શક્તિ સુધરે છે અને તે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. આજના સમયમાં પણ સૌરાષ્ટ્રના માટલાઓની માંગ માત્ર સ્થાનિક બજારમાં જ નહીં પરંતુ અન્ય શહેરો અને રાજ્યોમાં પણ છે. અહીં ૫૦ રૂપિયાથી લઈને ૪૦૦ રૂપિયા સુધીના વિવિધ માટલાઓ ઉપલબ્ધ છે. આ રીતે, માટીકામ માત્ર એક કલા નથી પરંતુ આપણા જીવન સાથે જોડાયેલો એક અમૂલ્ય વારસો છે, જેને જીવંત રાખવા માટે આવા કારીગરોનું યોગદાન અત્યંત મહત્વપૂર્ણ છે.
(10:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
