News of Friday, 27th March 2026
ગુજરાતના ગણોતીયાઓ માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય : જમીનની ખરીદ કિંમત ભરપાઈ કરવાની મુદત ડિસેમ્બર-2026 સુધી લંબાવાઈ
ખેડૂતોને કાયદેસરના માલિકી હક્ક અપાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો સંવેદનશીલ અભિગમ : અજ્ઞાનતાના કારણે નાણાં ન ભરી શકનારા હજારો પરિવારોને મળશે મોટી રાહત

ગાંધીનગર: રાજ્યના ખેડૂતો અને ગણોતીયાઓના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એક મહત્વપૂર્ણ અને સંવેદનાસ્પર્શી નિર્ણય લીધો છે. ગુજરાત ગણોત વહિવટ અને ખેતીની જમીન અધિનિયમની કલમ-32 હેઠળ ગણોતીયાઓને જમીનની ખરીદ કિંમત ભરપાઈ કરવા માટેની સમય મર્યાદામાં વધુ એક વર્ષનો વધારો કરવામાં આવ્યો છે. હવે ગણોતીયાઓ આગામી 31 ડિસેમ્બર-2026 સુધીમાં નિયત કિંમત ભરીને જમીનનો કાયદેસરનો માલિકી હક્ક પ્રાપ્ત કરી શકશે.
કાયદાકીય ગૂંચવણો દૂર કરવા લેવાયો નિર્ણય:
ગુજરાત ગણોત વહિવટ અને ખેતીની જમીન અધિનિયમ 1948 ની કલમ 32 જી હેઠળ ખેડૂતો અને ગણોતીયાઓ માટે મામલતદાર તેમજ કૃષિ પંચ દ્વારા ખરીદ કિંમત નક્કી કરવામાં આવતી હોય છે. કાયદા મુજબ આ રકમ ચોક્કસ સમય મર્યાદામાં જમા કરાવવી અનિવાર્ય છે. જોકે, અનેક કિસ્સાઓમાં જોવા મળ્યું છે કે અજ્ઞાનતા અથવા અન્ય કારણોસર ગણોતીયાઓ આ રકમ ભરી શક્યા નથી. જે ખેડૂતોએ ખરીદ કિંમત ભરી નથી, તેમને કાયદેસરના માલિક ગણી શકાતા નથી, જેના કારણે ખેતીની જમીન વેચાણ કે બિન ખેતી (NA) જેવી પ્રક્રિયાઓમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
ખેડૂતોની રજૂઆતોનો હકારાત્મક પ્રતિસાદ:
રાજ્ય સરકાર સમક્ષ ખેડૂતો દ્વારા કરવામાં આવેલી રજૂઆતો અને 31 ડિસેમ્બર-2025ના અંતે બાકી રહેલા કેસોની વિશાળ સંખ્યાને ધ્યાને લેતા પ્રશાસન દ્વારા નરમ વલણ અપનાવવામાં આવ્યું છે. અગાઉ પણ સરકારે વખતોવખત આ મુદત લંબાવીને ખેડૂતોને રાહત આપી છે. ભૂપેન્દ્રભાઈ પટેલે ખેડૂતોની આર્થિક સુરક્ષા અને જમીન સંબંધી પ્રશ્નોના નિરાકરણ માટે મુદત વધારવાની મંજૂરી આપી છે.
આ નિર્ણયથી રાજ્યના હજારો ગણોતીયાઓ હવે નિર્ધારિત ખરીદ કિંમત ભરપાઈ કરી શકશે. આ પ્રક્રિયા પૂર્ણ થતા જ તેઓ જમીનના રેકોર્ડ પર સત્તાવાર માલિક તરીકે નોંધાશે, જેથી ભવિષ્યમાં જમીન સાથે જોડાયેલા વહિવટી કાર્યોમાં તેમને કોઈ અવરોધ આવશે નહીં. સરકારના આ પગલાથી ખેડૂત આલમમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
(5:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
