તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 27th March 2026
સુરતમાં ફરી શેરબજારમાં ઉંચા વળતરની લાલચ આપી લોકોને શિકાર બનાવાયા :₹14.55 લાખની છેતરપિંડીના મામલે બે આરોપી ઝડપાયા
એપ્લિકેશનમાં લોગઈન કરાવીને સ્ટોક માર્કેટ તેમજ IPOમાં રોકાણ કરવાથી ટૂંકા ગાળામાં મોટો નફો મળશે તેવી લાલચ આપી છેતરપીંડી

સુરત :શહેરમાં ફરી શેરબજારમાં ઉંચા વળતરની લાલચ આપી નિર્દોષ નાગરિકોને શિકાર બનાવતી ગેંગ સક્રિય થઈ છે. તાજેતરમાં એક ફરિયાદી સાથે ₹14.55 લાખની છેતરપિંડીના મામલે સુરત સાયબર ક્રાઇમ સેલે ત્વરિત કાર્યવાહી કરી 2 શખ્સોની ધરપકડ કરી છે. આ ટોળકી દ્વારા ટ્રેડિંગ એપ્લિકેશનના માધ્યમથી લોકોને લલચાવીને તેમના પરસેવાની કમાણી હડપ કરી લેવામાં આવતી હતી.
આ સમગ્ર કૌભાંડની વિગતો મુજબ, છેતરપિંડી કરનારાઓએ ફરિયાદીને 'MO પ્રોસ્પેરા X' નામની એક ટ્રેડિંગ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી. આ એપ્લિકેશનમાં લોગઈન કરાવીને સ્ટોક માર્કેટ તેમજ IPOમાં રોકાણ કરવાથી ટૂંકા ગાળામાં મોટો નફો મળશે તેવી લાલચ આપવામાં આવી હતી. શરૂઆતમાં વિશ્વાસ જીત્યા બાદ, આરોપીઓએ ફરિયાદી પાસેથી અલગ-અલગ બેંક ખાતાઓમાં કુલ ₹14.55 લાખ જમા કરાવ્યા હતા. જ્યારે ફરિયાદીએ પોતાના રોકાણ કરેલા નાણાં અને થયેલા નફાને વિડ્રો (ઉપાડવા) કરવાની કોશિશ કરી, ત્યારે તેમને ટેકનિકલ કારણો આગળ ધરીને નાણાં આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. અંતે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતા ફરિયાદીએ સુરત સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ નોંધાવી હતી.
સાયબર ક્રાઇમ સેલની તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. પોલીસે આ કેસમાં રાજેશ લાખાભાઈ રૂડાણી અને પ્રફુલ નાનુભાઈ માંડણકા નામના બે આરોપીઓની ધરપકડ કરી છે. તપાસમાં ખુલ્યું છે કે આ આરોપીઓ મુખ્ય સૂત્રધાર નહોતા, પરંતુ માત્ર કમિશનની લાલચમાં પોતાના બેંક ખાતા ભાડે આપતા હતા. રાજેશ રૂડાણીએ પોતાનું બરોડા ગુજરાત ગ્રામીણ બેંકનું ખાતું માત્ર 1% કમિશનની લાલચમાં પ્રફુલ માંડણકાને આપ્યું હતું. ત્યારબાદ પ્રફુલે આ જ ખાતું 1.5% કમિશન મેળવીને હિરેન નામના અન્ય એક શખ્સને વાપરવા માટે આપ્યું હતું. આ એક જ ખાતામાં ટૂંકા સમયમાં ₹1.12 કરોડના વ્યવહારો થયા હોવાનું પણ બહાર આવ્યું છે.
પોલીસની ઉંડી તપાસમાં જાણવા મળ્યું છે કે જે બેંક ખાતાનો ઉપયોગ આ ફ્રોડમાં થયો હતો, તેની સામે NCCRP પોર્ટલ પર દેશભરમાંથી કુલ 14 જેટલી સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાઈ ચૂકી છે. આ નેટવર્ક દ્વારા અત્યાર સુધીમાં અંદાજે ₹1.79 કરોડનું સાયબર ફ્રોડ કરવામાં આવ્યું હોવાની આશંકા છે. હાલમાં સુરત સાયબર ક્રાઇમ સેલે બંને આરોપીઓની ધરપકડ કરી છે અને આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર ગણાતા 'હિરેન' નામના શખ્સની શોધખોળ શરૂ કરી છે. આ કેસ એ તમામ લોકો માટે લાલબત્તી સમાન છે જેઓ અજાણી એપ્લિકેશન કે અજાણ્યા વ્યક્તિઓના કહેવાથી શેરબજારમાં રોકાણ કરવા પ્રેરાય છે.
(6:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
