તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 27th March 2026
કમાલમ ખાતે ભાજપાની પ્રદેશ સ્તરીય 'મીડિયા કાર્યશાળા' સંપન્ન : જગદીશભાઈ વિશ્વકર્માએ વિપક્ષના ભ્રામક પ્રચાર સામે આક્રમક રણનીતિ ઘડવા કાર્યકર્તાઓને કર્યું માર્ગદર્શન
પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડૉ. અનિલભાઈ પટેલની ઉપસ્થિતિમાં જિલ્લા - મહાનગરના મીડિયા ઇન્ચાર્જોને અપાયું પ્રશિક્ષણ : કેન્દ્ર અને રાજ્ય સરકારની જનકલ્યાણની યોજનાઓ તથા સંગઠનાત્મક કાર્યોને જન-જન સુધી પહોંચાડવા કરાયું આહ્વાન

ગાંધીનગર:ગુજરાત પ્રદેશ ભાજપાના મીડિયા વિભાગ દ્વારા ગાંધીનગરના કોબા સ્થિત પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ‘ ખાતે એક વિશેષ 'મીડિયા કાર્યશાળા'નું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં અને પ્રદેશના મુખ્ય પ્રવક્તા ડૉ. અનિલભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલી આ કાર્યશાળામાં રાજ્યના તમામ જિલ્લા અને મહાનગરના મીડિયા ઇન્ચાર્જ તથા સહ-ઇન્ચાર્જોએ ભાગ લીધો હતો. આ બેઠકનો મુખ્ય હેતુ આગામી સમયમાં મીડિયાના વિવિધ માધ્યમો દ્વારા પક્ષની કામગીરીને વધુ અસરકારક રીતે રજૂ કરવાનો રહ્યો હતો.
સરકારની સિદ્ધિઓને જનતા સુધી પહોંચાડવા પર ભાર:
કાર્યશાળાને સંબોધતા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ પ્રિન્ટ, ઈલેક્ટ્રોનિક અને ડિજિટલ મીડિયાના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વડપણ હેઠળની રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓની માહિતી છેવાડાના માનવી સુધી પહોંચાડવી એ મીડિયા વિભાગની પ્રાથમિક જવાબદારી છે. ભાજપાના સંગઠનાત્મક અને સેવાકીય કાર્યક્રમોને જનતા સમક્ષ પ્રભાવી રીતે મૂકવા માટે તેમણે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.
વિપક્ષના અપપ્રચારનો જવાબ આપવા હાકલ:
આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના સંદર્ભમાં જગદીશભાઈ વિશ્વકર્માએ મીડિયા ટીમને સજ્જ રહેવા સૂચના આપી હતી. તેમણે વિપક્ષ દ્વારા કરવામાં આવતા ભ્રામક અપપ્રચાર સામે સંપર્ક, સંવાદ અને સંકલન દ્વારા સત્ય હકીકતો જમીની સ્તર સુધી પહોંચાડવા હાકલ કરી હતી. લોકશાહીના ચોથા સ્તંભ સમાન મીડિયાના માધ્યમથી સાચી માહિતી લોકો સુધી પહોંચે તે માટે તેમણે મીડિયા કાર્યકર્તાઓને વધુ સક્રિય થવા જણાવ્યું હતું.
મીડિયા વ્યવસ્થાપન અને કાર્યપદ્ધતિની સમજ:
પ્રદેશના મુખ્ય પ્રવક્તા ડૉ. અનિલભાઈ પટેલે કાર્યશાળામાં ઉપસ્થિત ઇન્ચાર્જોને મીડિયા વિભાગની રોજિંદી કામગીરી અને કાર્યપદ્ધતિ અંગે ઝીણવટભરી માહિતી આપી હતી. તેમણે સચોટ અને વિશ્વસનીય માહિતીના પ્રસારણ પર ભાર મૂકીને પક્ષની વિચારધારા અને સરકારી કામગીરીને મીડિયાના માધ્યમથી જન-જન સુધી પહોંચાડવા માટે આહ્વાન કર્યું હતું. આ કાર્યશાળામાં પરસ્પર સંવાદ દ્વારા સંગઠનાત્મક મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું સફળ સંચાલન અને સંકલન પ્રદેશ મીડિયા ઇન્ચાર્જ પ્રશાંત વાળા દ્વારા કરવામાં આવ્યું હતું.
(8:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
