<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th March 2026

ભિલોડા રેન્જના વજેપુર જંગલમાં આગ લગાડનાર એક શખ્સને વન વિભાગે રંગેહાથ ઝડપી પાડ્યો

પકડાયેલા આરોપી બાબુભાઈ પાંડોર વિરુદ્ધ વન વિભાગે ભારતીય વન અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી

અરવલ્લી જિલ્લાના ભિલોડા રેન્જમાં વન સંપત્તિને નુકસાન પહોંચાડતા અસામાજિક તત્વો સામે વન વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે. કુદરતી સંપત્તિ અને વન્ય જીવોના રક્ષણ માટે સતર્ક વન વિભાગની ટીમે જંગલમાં આગ લગાડવાના કૃત્યમાં એક શખ્સને પકડી પાડી દાખલો બેસાડ્યો છે. આ ઘટનાને પગલે પર્યાવરણને નુકસાન પહોંચાડનારા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

ઉનાળાની શરૂઆત થતા જ જંગલ વિસ્તારોમાં આગ લાગવાની ઘટનાઓ વધી જતી હોય છે. ઘણીવાર શિકાર માટે અથવા તો માત્ર અસામાજિક હેતુથી કેટલાક લોકો દ્વારા જાણીજોઈને આગ લગાવવામાં આવે છે. ત્યારે અરવલ્લી જિલ્લાના ભિલોડા રેન્જ હેઠળ આવતા વજેપુરના જંગલ વિસ્તારમાં તાજેતરમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. જંગલની અમૂલ્ય વનસ્પતિ અને વન્યજીવોના આશ્રયસ્થાન ગણાતા આ વિસ્તારમાં માનવસર્જિત આગને કારણે પર્યાવરણને મોટું જોખમ ઊભું થયું હતું. વન વિભાગની પેટ્રોલિંગ ટીમે બાતમી અને સતર્કતાને આધારે તપાસ તેજ કરી હતી, જેમાં જંગલને આગના હવાલે કરનાર શખ્સની ઓળખ થઈ શકી હતી.

વન વિભાગના અધિકારીઓએ ઓપરેશન હાથ ધરીને બાબુભાઈ લાલજીભાઈ પાંડોર નામના શખ્સને જંગલમાં આગ લગાડતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો. સામાન્ય રીતે જંગલ વિસ્તારમાં સૂકું ઘાસ કે લાકડા સળગાવવાની આવી બેદરકારી મોટી હોનારત નોંતરી શકે છે, ત્યારે વન વિભાગની આ ત્વરિત કાર્યવાહીથી મોટી જાનહાનિ અને સંપત્તિનું નુકસાન ટળ્યું છે. પકડાયેલા આરોપી બાબુભાઈ પાંડોર વિરુદ્ધ વન વિભાગે ભારતીય વન અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. જંગલમાં આગ લગાડવી એ ગંભીર વન ગુનો ગણાય છે, જેના કારણે પર્યાવરણીય સંતુલન બગડે છે. આ ગુના બદલ વન વિભાગ દ્વારા આરોપી પાસેથી સ્થળ પર જ 15,000 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.

વન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ પ્રકારની કડક કાર્યવાહીનો હેતુ માત્ર દંડ વસૂલવાનો નથી, પરંતુ લોકોમાં જંગલ પ્રત્યેની જવાબદારી અને કાયદાનો ભય જગાડવાનો છે. ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ આવી પ્રવૃત્તિ કરતા અટકે તે માટે વન વિભાગ હવે વધુ સઘન પેટ્રોલિંગ કરી રહ્યું છે.

(8:29 PM IST)