News of Friday, 27th March 2026
મુંબઈથી અપહરણ કરાયેલી સગીરાને અમદાવાદ RPF ટીમે સતર્કતા દાખવી સુર્યનગરી એક્સપ્રેસમાંથી સુરક્ષિત છોડાવી
રેલવે સ્ટેશન પર RPFની ટીમનું સઘન સર્ચ ઓપરેશન: રાયબરેલીનો યુવાન સગીરાને ભગાડી લાવ્યો હતો :પૂછપરછમાં થયો ખુલાસો

અમદાવાદ :પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના રેલવે સુરક્ષા બળ (RPF) દ્વારા ‘ઓપરેશન રેલ પ્રહરી’ હેઠળ એક અત્યંત પ્રશંસનીય અને ત્વરિત કામગીરી કરવામાં આવી છે. મુંબઈના વર્સોવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા સગીર બાળકીના અપહરણના ગંભીર કેસમાં અમદાવાદ RPFની ટીમે સતર્કતા દાખવીને પીડિતાને સુરક્ષિત છોડાવી છે. ટ્રેન નંબર 12480 (સૂર્યનગરી એક્સપ્રેસ) માં અપહરણકર્તા સગીરાને લઈને જઈ રહ્યો હોવાની બાતમી મળતા જ રેલવે સુરક્ષા દળ એક્શન મોડમાં આવ્યું હતું અને અમદાવાદ સ્ટેશન પર ટ્રેન આવતા જ સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડ્યું હતું.
ઘટનાની વિગત મુજબ, 26 માર્ચ 2026ના રોજ મુંબઈના વર્સોવા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 137(2) હેઠળ એક 16 વર્ષીય સગીર બાળકીના અપહરણનો ગુનો નોંધાયો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, એક યુવાન આ સગીરાને સૂર્યનગરી એક્સપ્રેસના જનરલ કોચમાં બેસાડીને અમદાવાદ તરફ લઈ જઈ રહ્યો છે. આ માહિતી મળતા જ આરપીએફ અમદાવાદના નિરીક્ષક પ્રવીણ કુમારના માર્ગદર્શન હેઠળ એક સ્પેશિયલ ટીમ બનાવવામાં આવી હતી.
મામલાની ગંભીરતાને જોતા ઉપનિરીક્ષક પિયુષ ચૌધરીના નેતૃત્વમાં હેડ કોન્સ્ટેબલ મહેન્દ્ર સિંહ, મહેશ પરમાર અને કોન્સ્ટેબલ પ્રદીપ સહિતની ટીમે ટ્રેન અમદાવાદ સ્ટેશન પર આવતાની સાથે જ જનરલ કોચમાં તપાસ શરૂ કરી હતી. શંકાસ્પદ યુવાનના ફોટોગ્રાફ્સ અને વિગતો પહેલેથી જ તમામ સ્ટાફને વાયરલેસ દ્વારા મોકલી દેવામાં આવ્યા હતા. સઘન તપાસના અંતે ટીમ દ્વારા શંકાસ્પદ યુવાન અને સગીરાની ઓળખ કરી તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.
કસ્ટડીમાં લીધા બાદ કરવામાં આવેલી પૂછપરછમાં બહાર આવ્યું કે, આરોપી યુવાનનું નામ શિવમ (ઉંમર 19 વર્ષ) છે અને તે ઉત્તર પ્રદેશના રાયબરેલીનો રહેવાસી છે. જ્યારે 16 વર્ષીય સગીરા મુંબઈના અંધેરી પશ્ચિમ વિસ્તારની રહેવાસી છે. બંને ઘરેથી ભાગીને આવ્યા હોવાની કબૂલાત કરી હતી. આ ઓપરેશન બાદ અમદાવાદ આરપીએફ દ્વારા તાત્કાલિક મુંબઈના વર્સોવા પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી અને કાયદેસરની કાર્યવાહી માટે બંનેને જીઆરપી (GRP) અમદાવાદને સોંપવામાં આવ્યા હતા.
(8:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
