<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th March 2026

અમદાવાદ ટ્રાફિક પોલીસનો મોટો નિર્ણય : પૂર્વ વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા હળવી કરવા ઇન્દિરા બ્રિજ સહિત 12 મુખ્ય પોઇન્ટના સર્કલ કટ બંધ કર્યા

સર્કલ પરના કટ બંધ કરી યુ ટર્ન માટે વૈકલ્પિક માર્ગ શરૂ કર્યા : કટ બંધ કરાતા ટ્રાફિકની સમસ્યામાં સુધારો થયો હોવાનો દાવો

અમદાવાદ શહેરમાં સતત વધી રહેલી વાહનોની સંખ્યા અને તેના કારણે સર્જાતી ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખાસ કરીને શહેરના પૂર્વ વિસ્તારમાં ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે પોલીસ તંત્ર દ્વારા વ્યૂહાત્મક ફેરફારો કરવામાં આવ્યા છે. આ નવા આયોજન હેઠળ શહેરના વિવિધ સર્કલ પર આવતા કટને કાયમી ધોરણે બંધ કરી દેવામાં આવ્યા છે.

 

ટ્રાફિક વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને ડીસીપીના જણાવ્યા અનુસાર, પૂર્વ વિસ્તારમાં ટ્રાફિક જામની સૌથી વધુ સમસ્યા સર્કલ પર જોવા મળતી હતી. જ્યારે વાહનચાલકો સર્કલ પરથી સીધો કટ લેવાનો પ્રયાસ કરતા હતા, ત્યારે ચારેય બાજુથી આવતા ટ્રાફિકને કારણે ગૂંચવાડો સર્જાતો હતો. આ સમસ્યાને ઉકેલવા માટે ઇન્દિરા બ્રિજ સહીત  શહેરના કુલ 12 જેટલા મુખ્ય પોઇન્ટ પર આવેલા કટને બેરિકેટિંગ કરીને બંધ કરી દેવામાં આવ્યા છે.

 

કટ બંધ થવાને કારણે વાહનચાલકોને મુશ્કેલી ન પડે તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. જે સર્કલ પરના કટ બંધ કરાયા છે, ત્યાંથી થોડે દૂર નવા યુ-ટર્ન (U-Turn) માટેના માર્ગો ખુલ્લા મુકવામાં આવ્યા છે. આ ફેરફારને કારણે વાહનોનો પ્રવાહ સતત ચાલુ રહે છે અને સર્કલ પર વાહનોની લાંબી કતારો લાગતી અટકી છે. પોલીસનો દાવો છે કે આ પ્રયોગને પરિણામે ટ્રાફિકની ગતિમાં સુધારો થયો છે અને પીક અવર્સ દરમિયાન થતી હાલાકીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.

 

આ અંગે વાત કરતા ટ્રાફિક વિભાગના ડીસીપીએ જણાવ્યું હતું કે, 'અગાઉ સર્કલ પરના કટને કારણે વાહનો એકબીજામાં ભરાઈ જતા હતા, જેનાથી કિલોમીટરો સુધી જામ લાગતો હતો. હવે આ 12 પોઇન્ટ પર કટ બંધ થવાથી ટ્રાફિક સ્મૂધ થયો છે.' વધુમાં તેમણે સંકેત આપ્યા હતા કે આગામી દિવસોમાં શહેરના અન્ય વિસ્તારોમાં પણ સર્વે કરીને વધુ કટ બંધ કરવામાં આવશે, જેથી સમગ્ર અમદાવાદને ટ્રાફિક મુક્ત બનાવી શકાય

(11:59 PM IST)