<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th March 2026

પાટણનાં આધુનિક બસપોર્ટને ખુલ્લુ મુકતા હર્ષ સંઘવી

નવું બસ પોર્ટએ માત્ર ઈમારત નથી, પણ પાટણના વિકાસના નવા અધ્‍યાયની શરૂઆત છેઃ પ્રભારી મંત્રી સ્‍વરૂપજી ઠાકોર : નરેન્‍દ્રભાઈ મોદી દ્વારા મંગળવારે રાણીની વાવ ખાતે 3D મેપિંગ શોનું ઓનલાઈન લોકાર્પણ

પાટણ, તા. ર૮: નાયબ મુખ્‍યમંત્રી હર્ષ સંઘવીના હસ્‍તે ગુજરાત રાજ્‍ય માર્ગ વાહનવ્‍યવહાર નિગમ અને મેસર્સ કતીરા કન્‍સ્‍ટ્રક્‍શન (પાટણ) પ્રા.લિ. દ્વારા પબ્‍લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) મોડલ હેઠળ પાટણ ખાતે નિર્મિત આધુનિક બસપોર્ટનું લોકાપર્ણ કરવામાં આવ્‍યું હતું.

નાયબ મુખ્‍યમંત્રી હર્ષ સંઘવીએ રીબીન કાપી પાટણના આઇકોનિક બસ પોર્ટની તકતીનું અનાવરણ કર્યું હતું. આ અવસરે નાયબ મુખ્‍યમંત્રી હર્ષ સંઘવીએ પાટણ જિલ્લાને ત્રણ નવીન એસી બસો આપવાની જાહેરાત કરી હતી. બસપોર્ટના લોકાર્પણ બાદ નાયબ મુખ્‍યમંત્રી હર્ષ સંઘવી નગરદેવી કાલિકા માતાજીના મંદિર પહોંચ્‍યા હતા, જ્‍યાં તેમણે માતાજીની પૂજા અર્ચન કરી આશિર્વાદ મેળવ્‍યા હતા.

નાયબ મુખ્‍યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્‍યું કે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ગુજરાતના સર્વાંગી વિકાસનો સંકલ્‍પ લીધો હતો અને રાજ્‍યના દરેક ખૂણે સુવિધાઓ પહોંચે તે દિશામાં સતત કાર્ય થઈ રહ્યું છે. પાટણનો આ નવો બસપોર્ટ એ જ સંકલ્‍પનું જીવંત ઉદાહરણ છે.

કાલથી અહીંથી દરરોજ કુલ ૮૫૦ અરાઈવલ અને ડિપાર્ચર સાથે બસોની અવરજવર શરૂ થશે, જેના દ્વારા ૨૦,૦૦૦થી વધુ મુસાફરોને સીધો લાભ મળશે. રાજ્‍ય સરકાર ૨૦૨૭ સુધી રોજના ૩૦ લાખ મુસાફરોને એસ.ટી.ની સુવિધા પૂરી પાડવાનો મક્કમ નિર્ધાર લઈને આગળ વધી રહી છે.

આગામી ૩૧મી તારીખે દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી ઉત્તર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, જ્‍યાં વિશ્વવિખ્‍યાત રાણીની વાવ ખાતે 3D મેપિંગ શોનું લોકાર્પણ થશે. આ ઉમેરો પાટણની વૈશ્વિક ઓળખને વધુ મજબૂત બનાવશે.

આ પ્રસંગે ધારાસભ્‍ય લવિંગજી ઠાકોર, અલ્‍પેશ ઠાકોર, કિરીટ પટેલ, બલવંતસિંહ રાજપુત, બનાસકાંઠા રેન્‍જ આઈ.જી પિરિક્ષિતા રાઠોડ, ક્‍લેક્‍ટર તુષાર ભટ્ટ, જિલ્લા વિકાસ અધિકારી સી.એલ. પટેલ સહિત અધિકારીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્‍યામાં લોકો ઉપસ્‍થિત રહ્યા હતા.

(11:39 AM IST)