તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Saturday, 28th March 2026
બાવળા-બગોદરા વચ્ચે હિટ એન્ડ રનઃ એક પદયાત્રીકનું મોતઃ એક ગંભીર
માણસાથી ભાવનગર જતા પદયાત્રી સંઘના ૨ સભ્યોને અજાણ્યા વાહને હડફેટે લીધા

અમદાવાદ, તા.૨૮: જિલ્લાના બાવળા-બગોદરા હાઈવે પર ફરી એકવાર રક્તરંજિત અકસ્માતની ઘટના સામે આવી છે. મોડી રાત્રે રોહિકા ગામના પાટિયા પાસે એક અજાણ્યા વાહને પદયાત્રીઓને અડફેટે લેતા ભારે ચકચાર મચી ગઈ છે. આ હિટ એન્ડ રનની ઘટનામાં એક પદયાત્રીનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક યાત્રિક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. અકસ્માત સર્જીને અજાણ્યો વાહનચાલક અંધારાનો લાભ ઉઠાવી ફરાર થઈ ગયો છે. આ ઘટનામાં પોલીસે ફરાર અજાણ્યા વાહન ચાલકને ઝડપી પાડવા બગોદરા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ ગત મોડી રાત્રે આ યાત્રિકો માણસાથી ભાવનગરના ખોડિયાર મંદિરે પગપાળા માતાજીનો સંઘ લઈને જઈ રહ્યા હતા. શ્રદ્ધા સાથે યાત્રા કરી રહેલા આ સંઘના બે સભ્યો જ્યારે રોહિકા ગામના પાટિયા પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે કાળમુખા અજાણ્યા વાહને તેમને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે પદયાત્રીઓ હાઈવે પર ફંગોળાયા હતા.
આ કરુણ દુર્ઘટનામાં જીવણ ઠાકોર નામના પદયાત્રીને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરુ ઊડી ગયું હતું. તેમની સાથે રહેલા અન્ય યાત્રિક જોરાજી રામાજી ઠાકોરને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી.
ગંભીર રીતે ઘવાયેલા જોરાજી ઠાકોરને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. હાલ તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. પદયાત્રી સંઘમાં અચાનક બનેલી આ ઘટનાથી અન્ય યાત્રિકોમાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે.
ઘટનાની જાણ થતા જ બગોદરા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મળતક જીવણ ઠાકોરના મળતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધી, સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે તપાસ તેજ કરી છે જેથી નાસી છૂટેલા ચાલકને ઝડપી શકાય.
(2:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
