<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th March 2026

ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કેગ રિપોર્ટ દ્વારા મોટી ગેરરીતીઓનો ખુલાસો

હજુ સુધી ૭૧ ટકા લાભાર્થીઓ સહાયથી વંચીત : વિપક્ષ લાલચોળ - તપાસની માંગ

અમદાવાદ, તા.૨૮: ગુજરાત રાજ્‍યમાં ગરીબોને ઘરનું ઘર આપવાના હેતુથી શરૂ કરાયેલી પ્રધાનમંત્રી આવાસ યોજના હાલ વિવાદોના વમળમાં ફસાઈ છે. તાજેતરમાં સામે આવેલા સરકારી કેગ  રિપોર્ટમાં આ યોજનાની અમલવારીમાં અત્‍યંત ચોંકાવનારા ખુલાસા થયા છે. રિપોર્ટ મુજબ, યોજનાના અમલીકરણમાં મોટાપાયે ગેરરીતિઓ અને પારદર્શિતાનો અભાવ જોવા મળ્‍યો છે, જેના કારણે હજારો જરૂરિયાતમંદ પરિવારો હજુ પણ સહાયની રાહ જોઈ રહ્યા છે.

કેગના અહેવાલમાં સૌથી ગંભીર બાબત એ સામે આવી છે કે રાજ્‍યમાં લગભગ ૭૧ ટકા જેટલા નોંધાયેલા લાભાર્થીઓને હજુ સુધી યોજના હેઠળ મળવાપાત્ર આર્થિક સહાય પ્રાપ્ત થઈ નથી. આ આંકડો યોજનાની નિષ્‍ફળતા અને વહીવટી તંત્રની ઢીલી નીતિ તરફ આંગળી ચીંધે છે. બીજી તરફ, તપાસમાં એવી પણ શંકા વ્‍યક્‍ત કરવામાં આવી છે કે કેટલાક કિસ્‍સાઓમાં ડુપ્‍લિકેટ ડેટા ભો કરીને અથવા ખોટી રીતે અપાયેલા દસ્‍તાવેજોના આધારે ગેરરીતિ આચરીને લાભો વહેંચવામાં આવ્‍યા છે.

તપાસ દરમિયાન જાણવા મળ્‍યું છે કે લાભાર્થીઓના નામ અને ડેટામાં ભારે વિસંગતતાઓ છે. અનેક લાયક ઉમેદવારોના નામ યાદીમાંથી ગાયબ છે, જ્‍યારે અપનામ ધરાવતા લોકોના નામ યાદીમાં હોવાની આશંકા છે. આ ગેરરીતિઓને કારણે યોજનાની અમલવારીમાં પારદર્શિતાનો સ્‍પષ્ટ અભાવ દેખાઈ રહ્યો છે. સરકારી અધિકારીઓ અને વહીવટી તંત્ર દ્વારા યોગ્‍ય ચકાસણી કર્યા વગર જ પ્રક્રિયા આગળ ધપાવવામાં આવી હોવાના આક્ષેપો ઉઠ્‍યા છે.

આ મુદ્દો સામે આવતા જ વિરોધ પક્ષે સરકારને ઘેરવાનું શરૂ કર્યું છે. વિપક્ષી નેતાઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્‍યો છે કે આ ગરીબોના હક પર તરાપ મારવાનું વ્‍યવસ્‍થિત કૌભાંડ છે. આ મામલે ઉચ્‍ચ સ્‍તરીય વિભાગીય તપાસની માંગણી કરવામાં આવી છે. વધતા દબાણને જોતા, ગુજરાત સરકાર આગામી દિવસોમાં આ મામલે કડક તપાસના આદેશ આપે તેવી પ્રબળ શકયતાઓ છે. હાલમાં લાભાર્થીઓમાં ભારે અસંતોષનો માહોલ છે અને આગામી દિવસોમાં આ કૌભાંડમાં વધુ મોટા માથાઓના નામ ખુલવાની શકયતા નકારી શકાય તેમ નથી.

(3:35 PM IST)