News of Saturday, 28th March 2026
ફરી માવઠાની અંબાલાલ પટેલની આગાહી : ૨૦ દિ' વાતાવરણમાં પલ્ટો
મે મહિના સુધી કમોસમી વરસાદ, ગાજવીજ થશે : ૭૦ કિ.મી.ની ઝડપે તોફાની પવન ફૂંકાશે

અમદાવાદ, તા.૨૮: હવામાન શાષાી અંબાલાલ પટેલે ગુજરાતના વાતાવરણને લઈને મોટી આગાહી કરી છે. આગામી ૨૦ દિવસ સુધી રાજ્યમાં કમોસમી વરસાદનું સંકટ તોળાઈ રહ્યું છે. પશ્ચિમી વિક્ષેપને કારણે ૬૦ થી ૭૦ કિમીની ઝડપે તોફાની પવન ફૂંકાશે. અને ગાજવીજ સાથે માવઠું પડશે, જેનાથી ઉનાળામાં ગરમી ઘટશે, પરંતુ ખેતીના પાક પર આફત આવી શકે છે. ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યના વાતાવરણને લઈને ચિંતાજનક આગાહી કરી છે. અંબાલાલની આગાહી મુજબ, આગામી ૨૦ દિવસ સુધી ગુજરાતના હવામાનમાં મોટો પલટો આવવાની શકયતા છે, જેમાં કમોસમી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે. પશ્ચિમી વિક્ષેપની અસરને કારણે રાજ્યના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે માવઠું પડવાની પૂરેપૂરી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
અંબાલાલ પટેલની આગાહી મુજબ, ૨૮, ૨૯ અને ૩૦મી માર્ચ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદી ઝાપટાં પડી શકે છે. આ સમયગાળામાં પવનની ગતિ પણ અત્યંત તેજ રહેવાની ધારણા છે, જેમાં અંદાજે ૬૦ થી ૭૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. વાતાવરણમાં આવનારા આ અણધાર્યા ફેરફારને કારણે ઉનાળાની શરૂઆતમાં જ ચોમાસા જેવો માહોલ જોવા મળશે, જે ખેતીના પાક માટે પણ જોખમી સાબિત થઈ શકે છે.
માત્ર માર્ચ મહિનો જ નહીં, પરંતુ આગામી એપ્રિલ અને મે મહિનામાં પણ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. દેશના ઉત્તરીય પ્રદેશોમાં થનારી ભારે હિમવર્ષાની અસર પણ ગુજરાતના હવામાન પર જોવા મળશે. પશ્ચિમી વિક્ષેપ અને વારંવાર બદલાતા પવનની દિશાને કારણે કાળઝાળ ગરમીમાંથી કામચલાઉ રાહત મળશે અને તાપમાનમાં ઘટાડો નોંધાશે.
રાજ્યમાં સર્જાનારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે વાદળ છાયું વાતાવરણ રહેશે, જેનાથી ગરમીનો પારો નીચે જશે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આ વર્ષે પ્રિ-મોન્સૂન એક્ટિવિટી વહેલી અને વધુ પ્રબળ જોવા મળી શકે છે. જોકે, આ કમોસમી વરસાદને કારણે ઉનાળુ પાક લેતા ખેડૂતોએ સાવચેતી રાખવી જરૂરી છે. પવન અને વરસાદની આ જોડી આગામી દિવસોમાં રાજ્યના જનજીવન પર વ્યાપક અસર કરે તેવા સંકેતો મળી રહ્યા છે.
(3:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
