તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 28th March 2026
સુરત એસએમસી પીઆઈ એમ. કે. માલવિયાના લિંબાયતમાં દરોડા : ધર્મવીરસિંહ ઉર્ફે સુખાની ધરપકડ અને ૧૬ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
રંગીલા નગર-૨ ની ખુલ્લી ગલીમાં કટિંગ વેળાએ ત્રાટકી પોલીસ : ૪૮૯૬ નંગ વિદેશી દારૂની બોટલ સહિત રાજા, ઓમપ્રકાશ કાલિયા અને સપ્લાયર વિકીને વોન્ટેડ જાહેર કરાયા

સુરત: સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા પ્રોહિબિશન રેડ કરીને વિદેશી દારૂના મોટા નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. એસએમસીના પીઆઈ એમ. કે. માલવિયા અને તેમની ટીમે ચોક્કસ બાતમીના આધારે લિંબાયતના રંગીલા નગર-૨ સોસાયટીની ખુલ્લી ગલીમાં ચાલતા દારૂના કટિંગ પર દરોડા પાડ્યા હતા. આ કામગીરી દરમિયાન પોલીસે વિદેશી દારૂની હજારો બોટલો, વાહનો અને મોબાઈલ સહિત કુલ ૧૬,૦૮,૪૨૪ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
દરોડા અને મુદ્દામાલની વિગત:
પોલીસ દરોડા દરમિયાન સ્થળ પરથી ભારતીય બનાવટના વિદેશી દારૂ (IMFL) ની નાની-મોટી કુલ ૪૮૯૬ બોટલ અને ટીન મળી આવ્યા છે, જેની કિંમત અંદાજે ૧૦,૨૩,૪૨૪ રૂપિયા થાય છે. આ ઉપરાંત દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાતા ૫,૮૦,૦૦૦ રૂપિયાની કિંમતના ૩ વાહનો અને ૫,૦૦૦ રૂપિયાનો ૧ મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો તેમજ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૧૧૧(૩) અને ૧૧૧(૪) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઝડપાયેલ આરોપી અને વોન્ટેડ યાદી:
દરોડા દરમિયાન પોલીસે ડિંડોલી વિસ્તારના અંબિકા રેસીડેન્સીમાં રહેતા ધર્મવીરસિંહ ઉર્ફે સુખા રામકિશનસિંહ જાટની ધરપકડ કરી તેને લિંબાયત પોલીસ સ્ટેશનને સોંપ્યો છે. જોકે, આ ગુનામાં સંડોવાયેલા અન્ય ત્રણ મુખ્ય આરોપીઓ નાસી છૂટવામાં સફળ રહ્યા છે, જેમાં લિંબાયત વિસ્તારના રાજા અને ઓમપ્રકાશ કાલિયા તેમજ દારૂનો જથ્થો સપ્લાય કરનાર ડિંડોલીના વિકીનો સમાવેશ થાય છે. પોલીસે આ ત્રણેય વોન્ટેડ આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
એસએમસીની આ સફળ કામગીરીથી સુરત શહેરમાં ગેરકાયદેસર દારૂનો વેપલો કરતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પકડાયેલા આરોપીઓ લિસ્ટેડ બુટલેગર હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. હવે પોલીસ આ નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે સઘન તપાસ કરી રહી છે.
(4:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
