News of Saturday, 28th March 2026
ભ્રષ્ટાચારના કેસોમાં લાલ આંખ : ગુજરાત વિજિલન્સ કમિશનર સંગીતા સિંઘે શિસ્તભંગના પગલાં લેવામાં થતા વિલંબ બદલ સરકારી વિભાગોની આકરી ઝાટકણી કાઢી
એક જ વર્ષમાં ૧૧,૨૨૩ ફરિયાદો નોંધાઈ : ૩૬ ટકા ફરિયાદો સાથે શહેરી વિકાસ વિભાગ મોખરે, મહેસૂલ અને ગૃહ વિભાગ પણ પાછળ નથી : પાંચ વર્ષમાં નિવૃત્ત થયેલા ૨૬૦થી વધુ અધિકારીઓ સામે હજુ પણ તપાસ પેન્ડિંગ હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ

રાજકોટ:ગુજરાતના વિજિલન્સ કમિશનર સંગીતા સિંઘે રાજ્યના વિવિધ સરકારી વિભાગો, બોર્ડ અને નિગમોની કાર્યશૈલી પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. વિજિલન્સ કમિશનરના તાજેતરના અહેવાલમાં ભ્રષ્ટાચાર સંબંધિત ફરિયાદો પર નિયત સમયમર્યાદામાં કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહેલા વિભાગીય વડાઓ અને અધિકારીઓની આકરી ટીકા કરવામાં આવી છે. અહેવાલમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે, વિભાગો દ્વારા કરવામાં આવતા વિલંબને કારણે અરજદારોએ એકની એક ફરિયાદ માટે વારંવાર કચેરીઓના ધક્કા ખાવા પડે છે, જે વહીવટી તંત્રની નિષ્ક્રિયતા દર્શાવે છે.
શહેરી વિકાસ વિભાગમાં ભ્રષ્ટાચારની સૌથી વધુ ફરિયાદો:
ફરિયાદોના ટ્રેન્ડ અંગે અહેવાલમાં આંકડાકીય વિગતો આપતા જણાવાયું છે કે, એક વર્ષ દરમિયાન કુલ ૧૧,૨૨૩ ફરિયાદો મળી હતી. જેમાં સૌથી વધુ ૩,૧૭૧ ફરિયાદો એટલે કે કુલ ફરિયાદોના ૩૬ ટકા એકલા 'શહેરી વિકાસ વિભાગ' વિરુદ્ધ નોંધાઈ છે. ત્યારબાદ મહેસૂલ વિભાગ ૧૧ ટકા ફરિયાદો સાથે બીજા ક્રમે અને ગૃહ વિભાગ ૧૦ ટકા ફરિયાદો સાથે ત્રીજા ક્રમે રહ્યો છે. આ આંકડાઓ રાજ્યના મહત્વના વિભાગોમાં વ્યાપ્ત ગેરરીતિઓ તરફ અંગૂલીનિર્દેશ કરે છે.
૩૫,૦૦૦ ફરિયાદોનું સરવૈયું અને કાર્યવાહીની સ્થિતિ:
છેલ્લા ત્રણ વર્ષના ગાળામાં વિજિલન્સ કમિશનર કચેરીને અંદાજે ૩૫,૦૦૦ જેટલી ફરિયાદો પ્રાપ્ત થઈ હતી. આ પૈકી ૫,૦૦૦ ફરિયાદો અનામી હોવાથી તેને રદ કરવામાં આવી હતી. બાકી રહેલી ફરિયાદો પૈકી ૩,૧૦૦ કેસોમાં વિગતવાર તપાસના આદેશ આપી અહેવાલ મંગાવવામાં આવ્યા હતા, જ્યારે ૨૧,૦૦૦ જેટલા કિસ્સાઓમાં પ્રાથમિક ચકાસણી પૂર્ણ કરી આગળની કાર્યવાહી માટે સરકારના સંબંધિત વિભાગોને ફાઈલો મોકલી આપવામાં આવી છે
.
નિવૃત્ત અધિકારીઓ સામેની તપાસમાં વહીવટી સુસ્તી:
અહેવાલનો સૌથી ચોંકાવનારો અંશ એ છે કે, છેલ્લા પાંચ વર્ષમાં નિવૃત્ત થઈ ચૂકેલા ૨૬૦થી વધુ સરકારી અધિકારીઓ સામે હજુ પણ શિસ્તભંગના પગલાં કે ખાતાકીય તપાસની કાર્યવાહી પેન્ડિંગ છે. અધિકારી નિવૃત્ત થઈ ગયા હોવા છતાં વર્ષો સુધી તપાસ પૂર્ણ ન થવી એ ગંભીર પ્રક્રિયાગત વિલંબ સૂચવે છે. સંગીતા સિંઘે ભારપૂર્વક જણાવ્યું છે કે જો ભ્રષ્ટાચારના કેસોમાં સમય મર્યાદાનું ચુસ્ત પાલન કરવામાં આવે, તો જ અસરકારક નિવારણ શક્ય છે અને ફરિયાદીઓને વારંવાર રજૂઆતો કરવામાંથી મુક્તિ મળી શકે તેમ છે.
(6:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
