<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th March 2026

જામનગરના દરિયામાં જહાજોની 'જુગલબંધી': 47 હજાર ટન ગેસ સાથે આવેલા 'જગ વસંત'માંથી મધદરિયે શરૂ થયું દિલધડક શિપ-ટુ-શિપ ટ્રાન્સફર

ગુજરાતની ગેસ સપ્લાય લાઈન રહેશે અકબંધ: વાડીનાર પોર્ટ પર લોજિસ્ટિક્સનો અદભૂત નમૂનો, 15 કલાક સુધી ચાલનારા ઓપરેશન બાદ 'રોઝ ગેસ' કંડલા ભણી રવાના થશે

વાડીનાર: તા.૨૮: ગુજરાતના દરિયાકાંઠે આજે એક વિશાળકાય જહાજની એન્ટ્રી સાથે જ ઊર્જા ક્ષેત્રે મોટી હલચલ જોવા મળી રહી છે. હોર્મુઝની સામુદ્રધુની પાર કરીને ૪૭,૧૮૦ મેટ્રિક ટન લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (LPG) લઈને આવેલું 'MT જગ વસંત' જહાજ જામનગરના વાડીનાર પોર્ટ પર લાંગર્યું છે. આ જહાજ ભારતની ગેસ સપ્લાય ચેનને વધુ મજબૂત કરવા માટેનો મહત્વનો જથ્થો લઈને આવ્યું છે.
આ ઓપરેશનની સૌથી ખાસ વાત એ છે કે, ગેસને ખાલી કરવા માટે જહાજને જેટી પર લાવવાને બદલે મધદરિયે જ 'શિપ-ટુ-શિપ' (STS) ટ્રાન્સફર કરવાની આધુનિક પદ્ધતિ અપનાવવામાં આવી છે. આ પ્રક્રિયા માટે 'જગ વસંત'નું સહાયક જહાજ 'રોઝ ગેસ' પણ આજે સવારે વાડીનાર પહોંચી ગયું છે. દીનદયાળ પોર્ટ ઓથોરિટીના ચેરમેન સુશીલ કુમાર સિંહના જણાવ્યા અનુસાર, આ જટિલ પ્રક્રિયામાં અંદાજે ૧૫ કલાકનો સમય લાગશે.
 
ઓપરેશનની વિગતો એક નજરે:
•    માતૃ જહાજ: MT જગ વસંત (૪૭,૧૮૦ મેટ્રિક ટન LPG સાથે)
•    સહાયક જહાજ: રોઝ ગેસ (૧૭,૧૦૦ મેટ્રિક ટન ગેસ લોડ કરાશે)
•    સમયગાળો: રવિવારે સવાર સુધીમાં કામગીરી પૂર્ણ થવાની શક્યતા
•    આગળનો પ્રવાસ: ગેસ ટ્રાન્સફર બાદ 'રોઝ ગેસ' કંડલા જશે, જ્યારે 'જગ વસંત' મુંબઈ અને ન્યુ મેંગલોર ભણી રવાના થશે.
 
દરિયાના મોજાંઓ વચ્ચે બે વિશાળ જહાજોને એકબીજાની નજીક લાવીને ગેસનું સુરક્ષિત ટ્રાન્સફર કરવું એ પોર્ટ મેનેજમેન્ટની કુશળતાનું ઉત્તમ ઉદાહરણ છે. આ કામગીરી પૂર્ણ થતા જ ગુજરાત અને દેશના અન્ય ભાગોમાં રાંધણ ગેસનો પુરવઠો વધુ સુગમ બનશે. વાડીનાર ટર્મિનલ પર ચાલી રહેલી આ કામગીરીને જોવા માટે સ્થાનિક મરીન ક્ષેત્રના લોકોમાં પણ ભારે કુતૂહલ જોવા મળી રહ્યું છે.

(6:41 PM IST)