<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th March 2026

વડોદરામાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં મધ્ય ઝોનની બેઠક સંપન્ન : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ફૂંકાયું ચૂંટણી રણશિંગું

બુથ સ્તરના માઈક્રો પ્લાનિંગ અને સુદ્રઢ સંગઠન વ્યવસ્થા દ્વારા ભાજપની અંત્યોદય અને રાષ્ટ્રવાદની વિચારધારા છેવાડાના માનવી સુધી પહોંચાડવા જગદીશભાઈ વિશ્વકર્માનું આહવાન : ગોરધનભાઈ ઝડફિયાએ ચૂંટણી સંચાલનના વિવિધ પાસાઓ અંગે કાર્યકર્તાઓને આપ્યું સચોટ માર્ગદર્શન

વડોદરા:ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાને રાખીને ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠનાત્મક તૈયારીઓ તેજ કરવામાં આવી છે. જે અંતર્ગત આજે વડોદરા ખાતે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં મધ્ય ઝોનના પદાધિકારીઓની એક મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મધ્ય ગુજરાતના વિવિધ જિલ્લા અને મહાનગરોના સંગઠનના હોદ્દેદારો, સાંસદો, ધારાસભ્યો અને અગ્રણી કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

સંગઠન અને ચૂંટણીલક્ષી માર્ગદર્શન:
આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, પ્રદેશ ચૂંટણી સંચાલન સમિતિના સંયોજક ગોરધનભાઈ ઝડફિયા તેમજ સમિતિના સદસ્ય જસવંતસિંહ ભાભોરે ઉપસ્થિત રહીને આગામી ચૂંટણીઓની રણનીતિ અંગે ચર્ચા કરી હતી. પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ કાર્યકર્તાઓને સંબોધતા જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીની સૌથી મોટી તાકાત તેના બુથ સ્તરના કાર્યકર્તાઓ છે. તેમણે દરેક બુથ પર માઈક્રો પ્લાનિંગ દ્વારા સંગઠનને વધુ મજબૂત અને સુદ્રઢ બનાવવા પર ભાર મૂક્યો હતો.

જનસંપર્ક અને વિચારધારા પર ભાર:
જગદીશભાઈ વિશ્વકર્માએ ઉપસ્થિત પદાધિકારીઓને સતત જનસંપર્ક, સંવાદ અને પ્રવાસ દ્વારા સરકારની જનહિતલક્ષી કામગીરી લોકો સુધી પહોંચાડવા હાકલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ભાજપની અંત્યોદય, વિકાસ અને રાષ્ટ્રવાદની વિચારધારાને છેવાડાના નાગરિક સુધી પહોંચાડવી એ દરેક કાર્યકર્તાની જવાબદારી છે. ખાસ કરીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંતર્ગત પક્ષના સંગઠનાત્મક માળખાને વધુ વેગવંતુ બનાવવા માટે તેમણે વિવિધ વિષયો પર વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

ચૂંટણી વ્યવસ્થાની છણાવટ:
બેઠક દરમિયાન ગોરધનભાઈ ઝડફિયાએ આગામી ચૂંટણી સંદર્ભે ચૂંટણી વ્યવસ્થાના વિવિધ ટેકનિકલ અને વહીવટી પાસાઓ અંગે ઝીણવટભરી છણાવટ કરી હતી. તેમણે કાર્યકર્તાઓને ચૂંટણીના મેદાનમાં કઈ રીતે અસરકારક રીતે કામ કરવું તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. પ્રદેશ મીડિયા ઇન્ચાર્જ પ્રશાંત વાળા દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ, આ બેઠકથી મધ્ય ગુજરાતમાં ભાજપના કાર્યકર્તાઓમાં નવો ઉત્સાહ જોવા મળ્યો છે અને ચૂંટણીલક્ષી તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે.

(10:16 PM IST)