તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 29th March 2026
સાણંદના ધરજીમાં પોલીસ પર ખૂની હુમલો: દારૂના અડ્ડા પર દરોડો પાડવા ગયેલી ટીમ પર 150ના ટોળાનો પથ્થરમારો
નળ સરોવર પોલીસના જવાનો પર લાકડીઓ અને પથ્થરોથી હિંસક હુમલો કરી લોહીલુહાણ કરાયા: 13 શખ્સોની દબોચી લેવાયા પણ ટોળાને ઉશ્કેરનાર મુખ્ય સૂત્રધારો હજુ પોલીસ પકડથી દૂર, એએસઆઈ સહિત ચાર પોલીસકર્મીઓને ગંભીર ઈજાઓ પહોંચતા ચકચાર

સાણંદ: અમદાવાદ ગ્રામ્યના સાણંદ તાલુકામાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાડતી એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. સાણંદ નજીક આવેલા ધરજી (દુર્ગી) ગામે દારૂના અડ્ડા પર દરોડો પાડવા ગયેલી નળ સરોવર પોલીસની ટીમ પર અંદાજે 150 જેટલા લોકોના ઉશ્કેરાયેલા ટોળાએ જીવલેણ હુમલો કર્યો હતો. આ હિંસક ઘટનામાં ફરજ પરના પોલીસકર્મીઓને નિશાન બનાવી પથ્થરમારો અને લાકડીઓ વડે પ્રહાર કરવામાં આવતા સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. પોલીસે આ મામલે રાયોટિંગનો ગુનો નોંધી અત્યાર સુધીમાં 13 શખ્સોની ધરપકડ કરી લીધી છે.
ઘટનાની વિગતો મુજબ, ગત 27 માર્ચના રોજ નળ સરોવર પોલીસને બાતમી મળી હતી કે ધરજી ગામે ઝુપાળી માતાના મંદિર પાસે વિદેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે. આ માહિતીના આધારે જ્યારે પોલીસની સર્વેલન્સ સ્કવોડ ખાનગી વાહનોમાં દરોડો પાડવા પહોંચી ત્યારે બુટલેગરે ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે ગામમાં માતાજીનો માંડવો હોવાથી મોટી સંખ્યામાં લોકો એકઠા થયેલા હતા. પરિસ્થિતિનો ગેરલાભ ઉઠાવી સ્થાનિક આગેવાન આત્મારામ કોદા પઢાર અને રઈલીબેન પઢારે ટોળાને ઉશ્કેરતા બૂમો પાડી હતી કે, "આ પોલીસવાળાને આજે જીવતા જવા દેવાના નથી."
આ ઉશ્કેરણીજનક શબ્દો સાંભળતા જ 100 થી 150 લોકોનું ટોળું લાકડીઓ અને પથ્થરો સાથે પોલીસ ટીમ પર તૂટી પડ્યું હતું. ટોળાએ પોલીસકર્મીઓને ચારેબાજુથી ઘેરી લીધા હતા અને બેફામ ગાળાગાળી કરી હુમલો શરૂ કર્યો હતો. આ હિંસામાં ASI રમેશ ગણેશને જાનથી મારી નાખવાના ઈરાદે માથાના પાછળના ભાગે લાકડીનો ફટકો મારવામાં આવતા તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા. આ ઉપરાંત કોન્સ્ટેબલ અનિલ ગોહિલ, મહેશ બોધા અને વેલા વર્ધાને પણ ટોળાએ લાકડીઓ અને મુક્કા મારતા શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી.
હાલમાં અમદાવાદ ગ્રામ્ય પોલીસે આ હુમલાખોરો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. ધરપકડ કરાયેલા 13 આરોપીઓની પૂછપરછ ચાલી રહી છે, જ્યારે પોલીસ પર હુમલો કરવા માટે ટોળાને ઉશ્કેરનાર મુખ્ય બે સૂત્રધારો આત્મારામ પઢાર અને રઈલીબેન પઢાર હજુ પણ ફરાર છે. પોલીસની અલગ-અલગ ટીમો આ સૂત્રધારોને ઝડપી પાડવા માટે દરોડા પાડી રહી છે. રક્ષક પર થયેલા આ ભક્ષક જેવા હુમલાને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી છે અને જવાબદારોને કડકમાં કડક સજા અપાવવાની ખાતરી આપી છે.
(1:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
