<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th March 2026

સુરતમાં સ્ટેટ મોનિટરિંગ સેલનો મોટો દરોડો : પીએસઆઈ કે.એચ. ઝંકાત ટીમે પુણા વિસ્તારમાંથી ૧૯.૧૧ લાખનો વિદેશી દારૂ ઝડપ્યો : સુજીતકુમાર મૌર્યની ધરપકડ : જુઓ વિડિયો

સહારાનગર દરવાજા પાસે સોનિયાનગરના મકાનમાં ચાલતા દારૂના અડ્ડા પર એસએમસીની ત્રાટકતી ટુકડી : મુખ્ય આરોપી રવિ ઉર્ફે બાવલિયો જાવરે, તેની માતા ઇન્દુબેન અને વાપીના સપ્લાયર જીતેશ ઉર્ફે નવીન યાદવ સહિત ૬ શખ્સોને વોન્ટેડ જાહેર કરાયા

સુરત: સુરત શહેરમાં દારૂબંધીના કાયદાના કડક અમલીકરણ માટે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા પુણા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ સોનિયાનગર સ્લમ વિસ્તારમાં મધરાતે એક મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. એસએમસીના પીએસઆઈ કે.એચ. ઝંકાત અને તેમની ટીમે બાતમીના આધારે સહારાનગર દરવાજા પાસે રેડ કરીને લાખોની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી બુટલેગરોમાં ફફડાટ ફેલાવી દીધો છે.

મકાનમાંથી વિદેશી દારૂની ૫૨૦૭ બોટલો જપ્ત:
પુણા વિસ્તારના સોનિયાનગર સ્લમ એરિયામાં આવેલા મકાન નંબર ૬૫ માં વિદેશી દારૂનો મોટો જથ્થો છુપાવવામાં આવ્યો હોવાની ચોક્કસ માહિતી એસએમસીને મળી હતી. દરોડા દરમિયાન પોલીસને મકાનમાંથી અલગ-અલગ બ્રાન્ડની કુલ ૫૨૦૭ નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી, જેની બજાર કિંમત ૧૮,૯૯,૧૦૩ રૂપિયા આંકવામાં આવી છે. પોલીસ દરોડામાં દારૂના જથ્થા ઉપરાંત ૧૦,૦૦૦ની કિંમતના ૨ મોબાઈલ ફોન અને ૨૪૦૦ રૂપિયાની રોકડ રકમ પણ કબજે કરવામાં આવી છે. આમ, કુલ ૧૯,૧૧,૫૦૩ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.

એક આરોપી ઝડપાયો, મુખ્ય સૂત્રધાર સહિત ૬ ફરાર:
આ દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી સુજીતકુમાર શ્યામધર મૌર્ય (રહે. સંતોક રેસીડેન્સી, ડિંડોલી) ને ઝડપી પાડ્યો છે અને તેને પુણા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. જોકે, આ દારૂના નેટવર્કનો મુખ્ય સૂત્રધાર રવિ ઉર્ફે બાવલિયો ઉત્તમ જાવરે અને તેની માતા ઇન્દુબેન ઉત્તમભાઈ જાવરે પોલીસને થાપ આપી ફરાર થઈ ગયા છે. આ ઉપરાંત, દારૂનો જથ્થો સપ્લાય કરનારા વાપીના જીતેશ ઉર્ફે નવીન યાદવ, નિયોલનો પાસોલા, દુર્ગેશ મુન્નીલાલ રાજપર અને અન્ય એક દુર્ગેશ નામના શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

કડક કલમો હેઠળ ગુનો નોંધાયો:
આ સમગ્ર કેસમાં પુણા પોલીસે ગુજરાત દારૂબંધી અધિનિયમની કલમ ૬૫(એ)(ઈ), ૮૧, ૮૩, ૧૧૬(બી) તેમજ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૧૧૧(૩) અને ૧૧૧(૪) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે તેમના મોબાઈલ નંબર અને રહેઠાણના આધારે ચક્રો ગતિમાન કર્યા છે. સ્ટેટ મોનિટરિંગ સેલની આ સફળ કામગીરીને પગલે સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતા સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.

(1:03 PM IST)