<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th March 2026

સુરતના માખીંગા ચેક પોસ્ટ પાસે કારમાંથી 864 બોટલો સાથે 2.63 લાખનો દારૂ પકડાયો

પોલીસે આ કારને રોકવાનો પ્રયાસ કરતાં ચાલકે નાકાબંધી તોડી કાર પુર ઝડપે ભગાવી હતી: પોલીસે ખાનગી વાહનો દ્વારા પીછો કરતાં માખીંગા કટ પાસે કાર ડિવાઈડર સાથે અથડાઈ: અંધારાનો લાભ લઈને અજાણ્યો ચાલક કાર મૂકીને નાસી છૂટિયો

સુરત : સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ નાબૂદ કરવાની સૂચના હેઠળ હાથ ધરાયેલ પેટ્રોલીંગ દરમિયાન પલસાણા પોલીસ સ્ટેશનની હદમાં મોટી સફળતા મળી છે. શનિવાર, 28ના વહેલી સવારે માખીંગા ચેક પોસ્ટ પાસે પોલીસે નાકાબંધી દરમિયાન વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.

ઘટનાની વિગત મુજબ, પોલીસને બાતમી મળી હતી કે નવસારી તરફથી એક નંબર પ્લેટ વગરની સફેદ ટાટા નેક્સોન કાર દારૂ ભરીને કડોદરા તરફ જઈ રહી છે. માખીંગા પોલીસ ચેક પોસ્ટ પાસે જ્યારે પોલીસે આ કારને રોકવાનો પ્રયાસ કર્યો, ત્યારે ચાલકે નાકાબંધી તોડી કાર પુર ઝડપે ભગાવી હતી. પોલીસે ખાનગી વાહનો દ્વારા પીછો કરતા ચાલકે ગભરાટમાં કાર પાછી વળાવવાનો પ્રયત્ન કર્યો હતો, જેમાં માખીંગા કટ પાસે કાર ડિવાઈડર સાથે અથડાઈ પડી હતી. અંધારાનો લાભ લઈને અજાણ્યો ચાલક કાર મૂકીને નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. પોલીસે પંચોની હાજરીમાં કારની તપાસ કરતા તેમાંથી વોડકા અને વ્હીસ્કીની કુલ 864 નાની બોટલો મળી આવી હતી, જેની કિંમત ₹2,63,600 અંકાય છે. આ સાથે ₹5 લાખની કિંમતની નેક્સોન કાર સહિત કુલ ₹7,63,600 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ મામલે પલસાણા પોલીસે અજાણ્યા ચાલક વિરુદ્ધ ગુજરાત નશાબંધી અધિનિયમ, ભારતીય ન્યાય સંહિતાની કલમ 281 અને મોટર વાહન અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(1:03 PM IST)