ખાણ માફિયાઓ પર પોલીસનો 'સર્જિકલ સ્ટ્રાઈક': વેશપલટો કરી ૨૫ ગેરકાયદે ખાણો પર દરોડા, મોતની ગુફામાંથી ૭ શ્રમિકો ઉગારાયા
સુરેન્દ્રનગરના સાયલામાં ખાણ ખનીજ વિભાગની નિષ્ક્રિયતા વચ્ચે લીંબડી DySP ની ટીમનું ફિલ્મી ઓપરેશન, કરોડોનો મુદ્દામાલ જપ્ત કરી સિન્ડિકેટ રેકેટનો પર્દાફાશ, હપ્તાખોર અધિકારીઓ અને ખનીજ ચોરોમાં ફફડાટ વ્યાપ્યો

સાયલા: સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પંથકમાં ખનીજ માફિયાઓના આતંક સામે પોલીસે અત્યાર સુધીની સૌથી મોટી અને સાહસિક કાર્યવાહી કરીને ખળભળાટ મચાવી દીધો છે. ખાણ ખનીજ વિભાગની શંકાસ્પદ ભૂમિકા અને લાંબા સમયની નિષ્ક્રિયતા સામે સવાલો ઉઠતા, આખરે પોલીસ વિભાગે પોતે મોરચો સંભાળ્યો હતો. લીંબડી ડીવાયએસપી (DySP) અને એલસીબી (LCB) ની ટીમે ખનીજ ચોરોને થાપ આપવા માટે સામાન્ય નાગરિકોનો વેશ ધારણ કર્યો હતો. આ ફિલ્મી ઢબે પાડવામાં આવેલા દરોડામાં ચોરવીરા ગામની સીમમાં ચાલતી ૨૫થી વધુ ગેરકાયદેસર ખાણોનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસની આ ગુપ્ત કામગીરીથી સ્થાનિક વહીવટી તંત્ર અને માફિયાઓમાં ભારે દોડધામ મચી ગઈ છે.
આ ઓપરેશન દરમિયાન પોલીસને સૌથી મોટી સફળતા માનવતાના ધોરણે મળી છે. દરોડા સમયે ખનીજ માફિયાઓ કોઈપણ સુરક્ષા સાધનો વગર શ્રમિકો પાસે જોખમી રીતે કામ કરાવી રહ્યા હોવાનું સામે આવ્યું હતું. ખાણની ઊંડી અને અસુરક્ષિત ગુફાઓમાં સાત જેટલા શ્રમિકો ફસાયેલા હોવાનું જણાતા પોલીસે તાત્કાલિક લાઈવ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. મોતની સમાંતર ઉભેલા આ સાતેય શ્રમિકોને સુરક્ષિત રીતે બહાર કાઢીને નવજીવન બક્ષવામાં આવ્યું છે. આ ઘટનાએ ખનીજ ચોરી પાછળ છુપાયેલા માનવ જિંદગીના ખેલ અને માફિયાઓની ક્રૂરતાને જનતા સમક્ષ ખુલ્લી પાડી દીધી છે.
પોલીસની આ મેગા રેડમાં સ્થળ પરથી કરોડો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ખાણ માફિયાઓ પોલીસને આવતા જોઈ સાધનો મૂકીને નાસી છૂટ્યા હતા, પરંતુ પોલીસે ૨૦ જેટલા ટ્રેક્ટર, ૨૦થી વધુ મોટરસાઈકલ, ખનીજ કાઢવા માટેની ચરખીઓ અને મોટા પ્રમાણમાં ગેરકાયદેસર ખનીજનો જથ્થો કબજે કર્યો છે. આટલી મોટી સંખ્યામાં મશીનરી અને વાહનો મળી આવવા તે બાબતનો પુરાવો છે કે અહીં એક મજબૂત સિન્ડિકેટ સ્તરે આખું રેકેટ ફૂલ્યુંફાલ્યું હતું. જપ્ત કરાયેલા વાહનો અને મુદ્દામાલને સુરક્ષિત સ્થળે ખસેડી પોલીસે અજાણ્યા શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી તેજ કરી છે.
આ સફળ ઓપરેશન બાદ હવે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ સામે રોષ ફાટી નીકળ્યો છે. જે કામગીરી ભૂસ્તરશાસ્ત્રી અને ખાણ વિભાગે કરવાની હતી, તે કરવા માટે પોલીસને વેશપલટો કરવો પડ્યો તે સરકારી તંત્રની લાચારી દર્શાવે છે. જિલ્લામાં એવી પ્રબળ ચર્ચા છે કે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની રહેમનજર અને હપ્તાખોરીને કારણે જ આટલા મોટા પાયે ગેરકાયદે પ્રવૃત્તિ ચાલી રહી હતી. પોલીસના આ આકરા પ્રહાર બાદ હવે જોવાનું એ રહેશે કે શું આ સાંઠગાઠમાં સામેલ ભ્રષ્ટ અધિકારીઓ સામે પણ કોઈ કડક પગલાં લેવામાં આવશે કે કેમ?









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
