<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th March 2026

અમદાવાદમાં ટ્રાફિકના જંજાલમાંથી મુક્તિ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રૂ.૯૦ કરોડના સતાધાર ફ્લાયઓવરનું કર્યું ભવ્ય લોકાર્પણ

નારણપુરાથી સાયન્સ સિટી જતો માર્ગ હવે બનશે સુપરફાસ્ટ, ૯૩૬ મીટર લાંબા ફોરલેન બ્રિજથી હજારો વાહનચાલકોના સમય અને ઇંધણની થશે મોટી બચત, ઘાટલોડિયા અને સોલા વિસ્તારના વિકાસને મળશે નવી ગતિ

અમદાવાદ: અમદાવાદના પશ્ચિમ વિસ્તારના લાખો વાહનચાલકો માટે રાહતના સમાચાર આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા વ્યસ્ત સતાધાર જંક્શન પર નવનિર્મિત ફોરલેન ફ્લાયઓવર બ્રિજનું વિધિવત લોકાર્પણ કરીને જનતા માટે ખુલ્લો મૂક્યો છે. અંદાજે રૂ.૯૦ કરોડના ખર્ચે તૈયાર થયેલા આ અત્યાધુનિક બ્રિજને કારણે નારણપુરાથી સોલા સાયન્સ સિટી તરફ જતા ટ્રાફિકની સમસ્યામાં કાયમી ઉકેલ આવશે. લોકાર્પણ બાદ બ્રિજ પરથી પસાર થતા વાહનચાલકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો, કારણ કે આ જંક્શન પર લાંબા સમયથી પીક અવર્સમાં ટ્રાફિક જામની ગંભીર સમસ્યા રહેતી હતી.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિર્મિત આ ફ્લાયઓવર ૯૩૬ મીટર લંબાઈ અને ૧૬.૬૦ મીટર પહોળાઈ ધરાવે છે. ખાસ વાત એ છે કે આ પ્રોજેક્ટ માટે 'સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના' અંતર્ગત વિશેષ ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. આ બ્રિજ બનવાથી માત્ર મુસાફરીનો સમય જ નહીં ઘટે, પરંતુ વાહનોના ઇંધણની પણ બચત થશે અને પ્રદૂષણમાં ઘટાડો થશે. મુખ્યમંત્રીએ પોતે આ જંક્શન પર ફ્લાયઓવર બનાવવાનું સૂચન કર્યું હતું, જે આજે સાકાર થતા સ્થાનિક રહીશો અને નોકરીયાત વર્ગમાં ખુશીનો માહોલ છે.
આ ભવ્ય લોકાર્પણ પ્રસંગે શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબહેન વાઘેલા, અમ્યુકો વહીવટદાર મુકેશ કુમાર અને કમિશનર બંછાનિધિ પાની સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ફ્લાયઓવર કાર્યરત થતા હવે સાયન્સ સિટી અને એસ.જી. હાઈવે તરફ જતી કનેક્ટિવિટી વધુ મજબૂત બની છે. રાજ્ય સરકાર દ્વારા જે રીતે શહેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ભાર મૂકવામાં આવી રહ્યો છે, તેમાં આ બ્રિજ એક મહત્વનું સીમાચિહ્ન સાબિત થશે. આગામી દિવસોમાં આ વિસ્તારના આસપાસના રસ્તાઓનું પણ નવીનીકરણ કરવામાં આવશે તેવી ખાતરી તંત્ર દ્વારા આપવામાં આવી છે.રૂ.

(1:28 PM IST)