<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th March 2026

ઈન્કમ ટેક્સમાં ૧ એપ્રિલથી ક્રાંતિકારી ફેરફાર: મધ્યમ વર્ગ અને નોકરીયાતો માટે રાહતના 'નવા દ્વાર' ખુલશે

નવા આવકવેરા કાયદા હેઠળ ટેક્સ ફાઈલિંગ થશે અત્યંત સરળ, બાળકોના એજ્યુકેશન એલાઉન્સમાં ૩૦ ગણો વધારો અને ફૂડ કૂપન પર ₹૧ લાખ સુધીની કરમુક્તિ, TCS દરમાં ધરખમ ઘટાડાથી વિદેશ પ્રવાસ પણ બનશે સસ્તો

અમદાવાદ: ભારત સરકાર દ્વારા આગામી ૧ એપ્રિલ, ૨૦૨૬થી નવા આવકવેરા કાયદાને અમલી બનાવવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જોકે ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, પરંતુ રિટર્ન ભરવાની પ્રક્રિયાને વેગ આપવા માટે અનેક વહીવટી સુધારાઓ કરવામાં આવ્યા છે. હવે નોકરીયાત વર્ગને વર્ષો જૂના 'ફોર્મ ૧૬' ને બદલે આધુનિક 'ફોર્મ ૧૩૦' જારી કરવામાં આવશે, જે ટેક્સ ગણતરીને વધુ પારદર્શક બનાવશે. સૌથી મોટો ફાયદો એચઆરએ (HRA) ના નિયમોમાં થયો છે, જેમાં મેટ્રો શહેરોમાં રહેતા કર્મચારીઓ હવે તેમના પગારના ૫૦ ટકા સુધીની રકમ પર ભાડા ભથ્થાની મુક્તિનો દાવો કરી શકશે, જ્યારે નાના શહેરો માટે આ મર્યાદા ૪૦ ટકા રાખવામાં આવી છે.

મધ્યમ વર્ગના વાલીઓ માટે આ નવો કાયદો આશીર્વાદ સમાન સાબિત થશે, કારણ કે બાળકોના શિક્ષણ ભથ્થામાં અભૂતપૂર્વ વધારો કરવામાં આવ્યો છે. ૧ એપ્રિલથી એજ્યુકેશન એલાઉન્સ પ્રતિ બાળક ₹૧૦૦ થી વધારીને ₹૩,૦૦૦ અને હોસ્ટેલ એલાઉન્સ ₹૩૦૦ થી વધારીને ₹૯,૦૦૦ પ્રતિ માસ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, ઓફિસ જતાં કર્મચારીઓ માટે 'ફૂડ કૂપન' અને ગિફ્ટ વાઉચર પરની કરમુક્તિ મર્યાદા પણ ₹૫૦ થી વધારીને ₹૨૦૦ પ્રતિ મીલ કરી દેવામાં આવી છે. આનો અર્થ એ થયો કે કર્મચારીઓ હવે વાર્ષિક ₹૧ લાખ સુધીના ભોજન લાભો કોઈપણ ટેક્સ ચૂકવ્યા વગર મેળવી શકશે, જે સીધી રીતે તેમના ખિસ્સામાં બચત કરાવશે.

પરિવહન અને અન્ય સેવાઓના નિયમોમાં પણ તાર્કિક ફેરફારો કરવામાં આવ્યા છે. ઓફિશિયલ ઉપયોગ માટે મળતી કારના ટેક્સ નિયમો બદલાશે, જ્યારે સફાઈ કામદારો કે માળી જેવી સેવાઓ માટે ચૂકવાતો પગાર હવે કરપાત્ર બનશે. વિદેશ પ્રવાસના શોખીનો માટે ખુશખબર એ છે કે ટ્રાવેલ પેકેજ પર લાગતો ટીસીએસ (TCS) દર ૨૦ ટકાથી ઘટાડીને માત્ર ૨ ટકા કરી દેવામાં આવ્યો છે, જેનાથી વિદેશ જવાનું બજેટ હવે ખોરવાશે નહીં. આ સાથે જ, અકસ્માત બાદ મળતા વીમાના દાવાઓને પણ સંપૂર્ણ કરમુક્ત રાખવાનો નિર્ણય લેવાયો છે. સરકારના આ પગલાથી ટેક્સ પેયર્સમાં ખુશીનો માહોલ છે અને તેને 'યુઝર ફ્રેન્ડલી' ટેક્સ સિસ્ટમ તરફનું મોટું ડગલું ગણવામાં આવી રહ્યું છે.

(1:46 PM IST)