<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th March 2026

સુરતના કુડસદ ગામે પીવાના પાણીની ટાંકીના લોકાર્પણ પહેલાં જ ભ્રષ્ટાચારની બદબુથી ગ્રામજનોમાં ભારે રોષ

ટાંકીના દાદર અને સેફ્ટી વોલના પ્લાસ્ટરમાં ઠેર-ઠેર મોટા ગાબડાં: નબળી ટાંકીને તાત્કાલિક તોડી પાડી નવી મજબૂત ટાંકી બનાવવા ગ્રામજનોની માંગ

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કુડસદ ગામે પીવાના પાણીની ટાંકીના નબળા કામથી ગ્રામજનોમાં રોષ ફેલાયો છે,ગ્રામજનોના પીવાના પાણીની સુવિધા માટે અંદાજે 25 લાખ રૂપિયાના ખર્ચે એક વિશાળ પાણીની ટાંકીનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આશ્ચર્યની વાત એ છે કે, હજુ તો આ ટાંકીનું વિધિવત લોકાર્પણ પણ થયું નથી, ત્યાં જ તેની મજબૂતીના ધજાગરા ઉડી રહ્યા છે.

 

વલસાડની ગઢવી પ્રોજેક્ટ કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલી આ ટાંકીના દાદર અને સેફ્ટી વોલના પ્લાસ્ટરમાં ઠેર-ઠેર મોટા ગાબડાં (Cracks) પડી ગયા છે. નિર્માણ કાર્યમાં વપરાયેલા મટીરિયલની ગુણવત્તા એટલી હલકી કક્ષાની જણાઈ રહી છે કે લોકાર્પણ પહેલા જ ટાંકી જર્જરિત દેખાવા લાગી છે. સ્થાનિક લોકોના મતે, જો અત્યારે આ હાલત હોય તો ભવિષ્યમાં આ ટાંકી ગમે ત્યારે તૂટી પડી મોટી દુર્ઘટના સર્જી શકે છે.

સ્થાનિકોનો આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતથી જ આવું નબળું કામ થયું છે. ગ્રામજનોએ એકસૂરે માગ કરી છે કે  આ નબળી ટાંકીને તાત્કાલિક તોડી પાડી નવી મજબૂત ટાંકી બનાવવામાં આવે. નિર્માણ કરનાર ગઢવી પ્રોજેક્ટ કંપનીને બ્લેક લિસ્ટ કરવામાં આવે. જો તેમની માગ પૂરી નહીં થાય, તો આગામી ચૂંટણીનો બહિષ્કાર  કરવામાં આવશે.

અત્યારે તો કુડસદ ગામમાં તણાવભર્યો માહોલ છે અને લોકોની આ લડત ભ્રષ્ટાચારીઓ સામે મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે.

 

(5:42 PM IST)