<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th March 2026

ગુજરાત ભાજપા દ્વારા રાજ્યના ૫૮૦ મંડલોમાં ‘મન કી બાત, ટિફિન કે સાથ‘ કાર્યક્રમ સંપન્ન : સવા લાખથી વધુ કાર્યકર્તાઓએ સામૂહિક ભોજન સાથે સંવાદ કર્યો

બહુચરાજીમાં શક્તિપીઠના દર્શન કરી પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ બુથસ્તરના જનસંપર્ક માટે આપ્યું માર્ગદર્શન : થલતેજમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કાર્યકર્તાઓ સાથે ટિફિન બેઠક યોજી ઈંધણની અછતની અફવાઓથી દૂર રહેવા કરી અપીલ

ગાંધીનગર:વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના લોકપ્રિય રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત‘ ના ૧૩૨ મા એપિસોડ નિમિત્તે ગુજરાત પ્રદેશ ભાજપા દ્વારા સમગ્ર રાજ્યમાં એક વિશેષ સંગઠનાત્મક અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. રાજ્યના તમામ ૫૮૦ મંડલોમાં ‘મન કી બાત, ટિફિન કે સાથ‘ ના નામે આયોજિત આ કાર્યક્રમમાં અંદાજિત સવા લાખથી વધુ કાર્યકર્તાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ અભિયાન અંતર્ગત પક્ષના ટોચના નેતાઓથી લઈને છેવાડાના કાર્યકર્તા સુધી સૌએ સાથે મળીને વડાપ્રધાનના પ્રેરક વિચારો સાંભળ્યા હતા અને ત્યારબાદ ઘરેથી લાવેલા ટિફિન સાથે પરસ્પર આત્મીય સંવાદ અને ભોજન કર્યું હતું.

બહુચરાજીમાં પ્રદેશ અધ્યક્ષનું સંગઠનાત્મક માર્ગદર્શન:
ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ મહેસાણા જિલ્લાના સુપ્રસિદ્ધ શક્તિપીઠ બહુચરાજી ખાતે ઉપસ્થિત રહીને આ કાર્યક્રમમાં સહભાગી થયા હતા. તેમણે સૌ પ્રથમ મા બહુચરના દર્શન-પૂજન કરી રાજ્યની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી અને મંદિરના વિકાસ કાર્યોનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ વલ્લભ ભટ્ટની વાવ ખાતે કાર્યકર્તાઓ સાથે ‘મન કી બાત‘ નિહાળી હતી. આ પ્રસંગે તેમણે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના સંદર્ભમાં માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, પ્રત્યેક બુથના પ્રત્યેક ઘર સુધી જનસંપર્કને વધુ સુદ્રઢ અને પ્રભાવી બનાવવો એ સંગઠનની પ્રાથમિકતા છે. તેમણે વડાપ્રધાનના સંબોધનને ટાંકીને ઉમેર્યું કે ખેતી, શિક્ષણ, સ્વચ્છતા અને મહિલા સશક્તિકરણ જેવા વિષયો પરના તેમના વિચારો સમાજમાં આત્મવિશ્વાસ અને સેવા ભાવના જગાડે છે. જગદીશભાઈ વિશ્વકર્માએ જનસંઘના વરિષ્ઠ આગેવાનોની પણ આત્મીય મુલાકાત લીધી હતી.

થલતેજમાં મુખ્યમંત્રીએ અફવાઓ ન માનવા સમજાવ્યું:
અમદાવાદના કર્ણાવતી મહાનગરના થલતેજ વોર્ડમાં આવેલી એચ. બી. કાપડિયા સ્કૂલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્થાનિક કાર્યકર્તાઓ અને આગેવાનો સાથે બેસીને વડાપ્રધાનનો કાર્યક્રમ નિહાળ્યો હતો. કાર્યકર્તાઓ સાથે સહજ ભાવે ટિફિન ભોજન લેતા મુખ્યમંત્રીએ રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલની અછત અંગે ફેલાઈ રહેલી અફવાઓનું ખંડન કર્યું હતું. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકાર સતત મોનિટરિંગ કરી રહી છે અને દેશ કે રાજ્યમાં ઈંધણની કોઈ અછત નથી. આ પ્રસંગે પ્રદેશ ભાજપના મુખ્ય પ્રવક્તા ડૉ. અનિલભાઈ પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

રાજ્યવ્યાપી સંગઠનાત્મક ગતિવિધિ:
આણંદ જિલ્લાના ઉમરેઠ ખાતે પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીએ કાર્યકર્તાઓ સાથે ટિફિન બેઠક યોજી સંગઠનાત્મક વિષયો પર છણાવટ કરી હતી. પ્રદેશ ભાજપાની યોજના અનુસાર દરેક મંડલ દીઠ એક વરિષ્ઠ આગેવાને વક્તા તરીકે ઉપસ્થિત રહી કાર્યકર્તાઓ સાથે સરકારની કામગીરી અને પક્ષની વિચારધારા અંગે સંવાદ કર્યો હતો. સમગ્ર રાજ્યમાં મંત્રીઓ, પદાધિકારીઓ, સાંસદો અને ધારાસભ્યો પોતપોતાના નિયત સ્થાનોએ કાર્યકર્તાઓ વચ્ચે જઈને જોડાયા હતા, જેનાથી સંગઠનમાં એકતા અને ઉત્સાહનો નવો સંચાર જોવા મળ્યો હતો.

(7:19 PM IST)