<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th March 2026

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ટર્ફ સિસ્ટમ સક્રિય: રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ:ખેડૂતોમાં ચિંતાનો માહોલ

કચ્છ,દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબી, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડી શકે:બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં મેઘમહેર થવાની સંભાવના

અમદાવાદ: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં કમોસમી વરસાદ એટલે કે માવઠાની મોટી આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ટર્ફ સિસ્ટમ સક્રિય થવાને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આ બદલાયેલા હવામાનને કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે, જ્યારે સામાન્ય જનતાને ગરમીમાંથી આંશિક રાહત મળવાની શક્યતા છે.

    હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આજે વરસાદ પડવાની પૂરેપૂરી સંભાવના છે. આ સિસ્ટમની અસર આગામી થોડા દિવસો સુધી જોવા મળશે. માત્ર આજ પૂરતું જ નહીં, પરંતુ આગામી 2 અને 3 એપ્રિલે ફરી એકવાર રાજ્યમાં વરસાદી માહોલ જામવાની શક્યતા સેવાઈ રહી છે. વાતાવરણમાં આવેલા આ બદલાવથી તાપમાનમાં પણ મોટો ફેરફાર જોવા મળશે.

    વરસાદની આગાહીના પગલે સૌરાષ્ટ્રના કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબી, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાં હળવા થી મધ્યમ વરસાદી ઝાપટા પડી શકે છે. બીજી તરફ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં પણ મેઘમહેર થવાની સંભાવના છે. આજે એટલે કે 29 માર્ચે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડી શકે છે. આ દરમિયાન પવનની ગતિ પણ 30 થી 40 કિમી પ્રતિ કલાક રહેવાની શક્યતા છે.

(7:49 PM IST)