તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 29th March 2026
ગુજરાતમાં AI ક્રાંતિને વેગ આપવા રાજ્ય સરકાર ૧૦૦થી વધુ હાઈ-પરફોર્મન્સ GPU પૂરા પાડશે : આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રે દેશનું અગ્રણી કેન્દ્ર બનવા મક્કમ નિર્ધાર
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના ટેકનોલોજી આધારિત શાસનના દ્રષ્ટિકોણને સાકાર કરવા વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગની મહત્વપૂર્ણ પહેલ : 'IndiaAI Mission' હેઠળ કાર્યરત થનારા આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી સ્ટાર્ટઅપ્સ, શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી વિભાગોને મોડલ ટ્રેનિંગમાં મોટી મદદ મળશે

ગાંધીનગર:ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડ દ્વારા રાજ્યમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ઇકોસિસ્ટમને વધુ સુદ્રઢ બનાવવા માટે એક મોટી જાહેરાત કરવામાં આવી છે. તાજેતરમાં યોજાયેલા "AI સ્ટાર્ટઅપ સંવાદ" ની સફળતા બાદ, હવે રાજ્ય સરકાર ૧૦૦થી વધુ હાઇ-પરફોર્મન્સ GPUs (ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટ્સ) ઉપલબ્ધ કરાવીને ડિજિટલ ગવર્નન્સ અને ટેકનોલોજીના ક્ષેત્રમાં નવી ક્ષિતિજો સર કરવા જઈ રહી છે. આ પહેલ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નાગરિકકેન્દ્રિત અને આધુનિક ટેકનોલોજી સજ્જ શાસનના વિઝનને વેગ આપશે.
ઇન્ડિયા એઆઈ મિશન હેઠળ આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર:
ભારત સરકારના 'IndiaAI Mission' સાથે સંકલન સાધીને ગુજરાતમાં આધુનિક AI કમ્પ્યુટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કાર્યરત કરવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટ અંતર્ગત પૂરા પાડવામાં આવનારા ૧૦૦થી વધુ GPUs રાજ્યના વિવિધ સરકારી વિભાગો, પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓ અને ઉભરતા સ્ટાર્ટઅપ્સ માટે ગેમ ચેન્જર સાબિત થશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ડિજિટલ ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરવાના ભાગરૂપે આ હાઇ-ટેક સુવિધાથી જટિલ AI મોડલ્સનું ટ્રેનિંગ કાર્ય, નવીન એપ્લિકેશન્સનો વિકાસ અને સ્કેલેબલ સોલ્યુશન્સનું અમલીકરણ અત્યંત સરળ અને ઝડપી બનશે.
સમય અને ખર્ચમાં થશે મોટો ઘટાડો:
સામાન્ય રીતે AI પ્રોજેક્ટ્સ માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં ઘણો સમય અને મોટો ખર્ચ થતો હોય છે. જોકે, સરકારની આ પહેલથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોક્યોરમેન્ટ પાછળનો ખર્ચ અને સમય નોંધપાત્ર રીતે ઘટશે. પરિણામે, સ્થાનિક સ્તરે તૈયાર થતા AI સોલ્યુશન્સના વિકાસમાં ગતિ આવશે અને જાહેર સેવા પ્રદાન કરતી સિસ્ટમોમાં ટેકનોલોજીકલ સુધારો જોવા મળશે. ઔદ્યોગિક નવીનતાને પ્રોત્સાહન મળવાની સાથે સાથે શાસન પ્રક્રિયામાં પણ AIનો પ્રભાવી ઉપયોગ શક્ય બનશે.
ડિજિટલ ગવર્નન્સનું નવું કેન્દ્ર:
ગુજરાત સરકાર આ પ્રકારના આગાહીભર્યા અને પ્રગતિશીલ પ્રયત્નો દ્વારા રાજ્યને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને નવીનતાના ક્ષેત્રે દેશના અગ્રણી હબ તરીકે સ્થાપિત કરવા માટે કટિબદ્ધ છે. ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સ્થાનિક સ્તરે તૈયાર થયેલા AI ઉકેલોના કારણે સરકારી સેવાઓ વધુ સચોટ અને ઝડપી બનશે, જેનો સીધો લાભ રાજ્યના સામાન્ય નાગરિકોને મળશે. આ પહેલથી ગુજરાત આગામી સમયમાં ગ્લોબલ ટેકનોલોજી મેપ પર પોતાની આગવી ઓળખ ઊભી કરશે.
(8:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
