<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th March 2026

નડિયાદ-ખેડા હાઈવે પર સંધાણા નજીક ટ્રક અને કન્ટેનર વચ્ચે જોરદાર ટક્કર :હેવી વાયર ભરેલું ટ્રેલર હોટલમાં ઘૂસ્યુ

ટક્કર એટલી પ્રચંડ હતી કે આગળ જતું કન્ટેનર ચાલકના કાબૂ બહાર ગયું અને રોડની સાઈડમાં આવેલા અન્નપૂર્ણા ઢાબામાં ધડાકાભેર ઘૂસી ગયું

ખેડા જિલ્લામાં માર્ગ અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. નેશનલ હાઇવે 48 પર પલાણા નજીક આવેલા સંધાણા ગામની સીમમાં બપોરના સમયે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે આવી રહેલા એક ટ્રક ચાલકે ગફલતભરી રીતે વાહન હંકારી આગળ જઈ રહેલા એક કન્ટેનરને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી પ્રચંડ હતી કે આગળ જઈ રહેલું કન્ટેનર ચાલકના કાબૂ બહાર ગયું હતું અને રોડની સાઈડમાં આવેલા અન્નપૂર્ણા ઢાબામાં ધડાકાભેર ઘૂસી ગયું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે આજે અન્ય અકસ્માત અમદાવાદ-ખેડા હાઇવે પર આવેલ વડાલા પાટિયા પાસે થયો હતો. આ આઈસર ચાલકે ટક્કર મારતા શાહ પરિવારના 3 લોકોના કરુણ મોત થઈ ગયા હતા.

 

સંધાણા નજીક થયેલા આ અકસ્માત સમયે અન્નપૂર્ણા હોટલમાં ગ્રાહકો અને સ્ટાફની અવરજવર હતી, જેના કારણે કન્ટેનર અંદર ઘૂસતા જ નાસભાગ મચી ગઈ હતી. આ અકસ્માતમાં હોટલના પાછળના ભાગને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. હોટલ માલિકના જણાવ્યા અનુસાર કન્ટેનરની ટક્કરથી દીવાલો અને અન્ય માળખાગત સુવિધાઓ સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગઈ છે. પ્રાથમિક અંદાજ મુજબ અકસ્માતમાં લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. સદનસીબે ઢાબામાં મોટી જાનહાનિ ટળી હતી.

આ અકસ્માતમાં એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ નેશનલ હાઇવે ઓથોરિટીની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ઇજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક સારવાર માટે ખેડા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે. 

અકસ્માતગ્રસ્ત કન્ટેનરમાં વાયરોના મોટા રોલ ભરેલા હતા, જે અકસ્માતને કારણે હાઇવે પર વેરવિખેર થઈ ગયા હતા. આના પરિણામે નેશનલ હાઇવે પર કલાકો સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. હાઇવે ઓથોરિટી દ્વારા ક્રેન અને અન્ય મશીનરી મંગાવીને રસ્તા પરથી વાયરોના ભારેખમ રોલ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઢાબામાં ફસાયેલા કન્ટેનરને બહાર કાઢવામાં પણ ભારે જહેમત ઉઠાવવી પડી હતી. સ્થાનિક પોલીસ દ્વારા અકસ્માત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

(9:23 PM IST)