હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સુરતના અમરોલીમાં સરકારી સબસિડીના નામે બાયો-ડીઝલના કાળાબજારનું મસમોટું કૌભાંડ ઝડપાયું : ૨૨ લાખનો મુદ્દામાલ જપ્ત
અંજની કેનાલ પાસે ગેરકાયદે પંપ ચલાવી વાહનચાલકો સાથે છેતરપિંડી આચરતા બે શખ્સો પોલીસ સકંજામાં : હલકી ગુણવત્તાના ૮૦૦ લિટર ઇંધણ સાથે ટેન્કર અને ટેમ્પો કબજે કરી આવશ્યક ચીજવસ્તુ ધારા હેઠળ કાર્યવાહી

સુરત:સુરત શહેરના અમરોલી વિસ્તારમાં ગેરકાયદે ઇંધણના વેચાણનું મસમોટું નેટવર્ક કાર્યરત હોવાની બાતમીના આધારે પોલીસે સપાટો બોલાવ્યો છે. અમરોલી-વેલજા રોડ પર અંજની કેનાલ પાસે ચોક્કસ બાતમીને આધારે દરોડા પાડીને પોલીસે ગેરકાયદે બાયો-ડીઝલ વેચતા બે શખ્સોને રંગેહાથ ઝડપી લીધા છે. આ શખ્સો વાહનચાલકોને આકર્ષવા માટે હલકી ગુણવત્તાના બાયો-ડીઝલને 'સરકારી સબસિડીયુક્ત ડીઝલ' તરીકે ખપાવીને છેતરપિંડી આચરતા હતા. પોલીસે આ કાર્યવાહીમાં બે ટેન્કર, એક ટેમ્પો અને ઇંધણ મળી કુલ ૨૨ લાખ રૂપિયાની મતા જપ્ત કરી છે.
બાતમીના આધારે નકલી પંપ પર ત્રાટકી પોલીસ
અમરોલી પોલીસને ગુપ્ત માહિતી મળી હતી કે અમરોલી-વેલજા રોડ પર ગેરકાયદે પંપ બનાવીને ઈંધણના કાળાબજાર કરવામાં આવી રહ્યા છે. આ માહિતીને આધારે પોલીસે વોચ ગોઠવીને દરોડો પાડતા ઘટનાસ્થળેથી ૮૦૦ લિટરથી વધુ હલકી ગુણવત્તાનું મિશ્રિત ડીઝલ અને પંપ ચલાવવા માટેના સાધનો મળી આવ્યા હતા. આરોપીઓ લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવીને સસ્તું અને સબસિડીવાળું ડીઝલ હોવાનો પ્રચાર કરી છેતરપિંડી કરતા હતા. પોલીસે તપાસના હિતમાં હાલ પકડાયેલા બંને શખ્સોના નામ ગુપ્ત રાખ્યા છે.
એન્જિનને નુકસાન પહોંચાડતા ઇંધણનું વેચાણ
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓ બાયો-ડીઝલમાં અન્ય ઘટકો મિક્સ કરીને તેને ડીઝલ જેવું બનાવી દેતા હતા. આવું ભેળસેળિયું ઇંધણ વાહનોના એન્જિનને કાયમી નુકસાન પહોંચાડી શકે છે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર અને નાયબ મુખ્યમંત્રી દ્વારા ઇંધણનો પૂરતો જથ્થો હોવાની અને આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો જાળવી રાખવાની ખાતરી આપવામાં આવી હોવા છતાં, આવા અસામાજિક તત્વો દ્વારા સબસિડીના નામે લૂંટ ચલાવવામાં આવી રહી હતી, જેની સામે હવે પોલીસે લાલ આંખ કરી છે.
ભારે કલમો હેઠળ ગુનો દાખલ
ઝડપાયેલા બંને આરોપીઓ વિરૂદ્ધ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ ૩૧૮(૨) અને ૨૮૭ ઉપરાંત પેટ્રોલિયમ એક્ટ ૧૯૩૪ અને આવશ્યક ચીજવસ્તુ અધિનિયમની વિવિધ કડક કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે સ્થળ પરથી બે મોટા ટેન્કરો અને બે મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ રેકેટમાં અન્ય કયા મોટા વેપારીઓ કે સપ્લાયરો સામેલ છે અને આ મિશ્રિત ઇંધણ ક્યાંથી લાવવામાં આવતું હતું.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
