News of Monday, 30th March 2026
રાજકોટ એરપોર્ટ પરથી રાજકોટ સહિત દેશના પ૭ એરપોર્ટ પર નાગરિક સુવિધાઓનું ઉદ્દઘાટનઃ ભાવનગર-મુંબઇ નવી ફલાઇટ
રાજકોટ આવેલા નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુનો નિર્દેશ અમદાવાદ પ્લેન ક્રેશનો ટુંકમાં તમામ રિપોર્ટ : રાજકોટ એરપોર્ટ પર યાત્રીકાફે શરૂઃ ૧૦માં ચા અને ર૦ રૂપિયામાં કોફી-સમોસા મળશે

રાજકોટ તા. ૩૦: કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુ કિંજરાપુએ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતેથી દેશના ઉડ્ડયન ક્ષેત્ર માટે મહત્વના પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું હતું. મંત્રીએ રાજકોટ એરપોર્ટ પરથી એકસાથે દેશના ૫૭ એરપોર્ટ પર વિવિધ નાગરિક સુવિધાઓનું વર્ચ્યુઅલ ઉદ્ધાટન કર્યું હતું. આ કાર્યક્રમ પૂર્વે તેમણે ભાવનગર ખાતેથી ઇન્ડિગોની મુંબઈની નવી ફ્લાઇટને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. રાજકોટ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં લોકસભા સાંસદ પુરુષોત્તમ રૂપાલા અને રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
મુસાફરો માટે સસ્તો નાસ્તો અને આધુનિક સુવિધાઓઃ
રાજકોટ એરપોર્ટ પર ‘‘ઉડાન યાત્રી કાફે'' શરૂ થવાથી હવે હવાઈ મુસાફરોને એરપોર્ટની અંદર જ ખૂબ જ નજીવા દરે ખાણી-પીણીની સુવિધા મળશે. આ કાફેમાં ૧૦ રૂપિયામાં ચા અને ૨૦ રૂપિયામાં કોફી તેમજ સમોસા મળી રહેશે. આ ઉપરાંત મંત્રીએ દેશભરના એરપોર્ટ પર ૧૧ ઉડાન કાફે, ૮ સ્થળોએ ડીજી યાત્રા, ૫૦ જગ્યાએ વાઇ-ફાઇ, ૧૦ કિડ્સ પ્લે ઝોન અને ૧૬ ફ્લાયબ્રેરીઝ જેવી સુવિધાઓનું લોકાર્પણ કર્યું હતું. કેન્દ્ર સરકારે એવિએશન વિભાગ માટે ૨૯,૦૦૦ કરોડ રૂપિયાના બજેટની મંજૂરી આપી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
રાજકોટમાં ઇન્ટરનેશનલ કનેક્ટિવિટી અને કાર્ગો ટર્મિનલઃ
રાજકોટની વર્ષો જૂની માંગણીને ધ્યાને લેતા મંત્રીએ જણાવ્યું હતું કે, રાજકોટમાં વહેલી તકે ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ શરૂ કરવા માટે ઇમિગ્રેશનની પ્રક્રિયા પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આ સાથે જ જુના ટર્મિનલ પર એર કાર્ગો ટર્મિનલનું નિર્માણ કરવામાં આવશે, જે સૌરાષ્ટ્રના વેપાર-ઉદ્યોગ માટે આશીર્વાદરૂપ સાબિત થશે. સાંસદ રામભાઈ મોકરીયાએ ઇન્ટરનેશનલ ફ્લાઇટ અને પુરુષોત્તમ રૂપાલાએ કાર્ગો સર્વિસ વહેલી તકે કાર્યરત કરવા ભારપૂર્વક રજૂઆત કરી હતી.
અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશનો તપાસ રિપોર્ટઃ
અમદાવાદમાં થયેલા એર ઇન્ડિયા પ્લેન ક્રેશ અંગે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં મંત્રીએ જણાવ્યું હતું કે આ દુર્ઘટનાને ૯ મહિના જેટલો સમય વીતી ગયો છે અને તપાસ તેની અંતિમ ચરણમાં છે. ખૂબ જ ટૂંક સમયમાં આ દુર્ઘટનાનો વિગતવાર તપાસ રિપોર્ટ જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત તેમણે ગલ્ફ દેશોમાં ચાલતા યુદ્ધની સ્થિતિ વચ્ચે ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલા રેસ્કયુ ઓપરેશનની વિગતો આપતા કહ્યું કે અત્યાર સુધીમાં ૫ લાખથી વધુ લોકોને સુરક્ષિત પરત લાવવામાં આવ્યા છે.
ભવિષ્યનું આયોજન અને ઉપસ્થિતિઃ
આગામી ૧૦ વર્ષમાં દેશમાં ૧૦૦ નવા એરપોર્ટ અને ખાસ કરીને નોર્થ ઈસ્ટના વિસ્તારોમાં ૨૦૦ હેલિપેડ બનાવવાનું સરકારનું લક્ષ્ય છે. આ કાર્યક્રમમાં રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, ધારાસભ્ય જિતેન્દ્ર સોમાણી, સિવિલ એવિએશન સેક્રેટરી સમીરકુમાર સિન્હા અને એરપોર્ટ ઓથોરિટીના ચેરમેન વિપિનકુમાર પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમ બાદ કેન્દ્રીય મંત્રીએ એરપોર્ટ ટર્મિનલની મુલાકાત લઈ સુરક્ષા અને સુવિધાઓની સમીક્ષા કરી હતી.
(10:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
