News of Monday, 30th March 2026
ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ‘, કોબા ખાતે પત્રકાર પરિષદને સંબોધતા ગુજરાત ભાજપાના પ્રદેશ ઉપાધ્યક્ષ : તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાના દેશના સ્વતંત્રતા સંગ્રામમાં ગુજરાતીઓનું યોગદાન ન હોવાનું આપેલું નિવેદન બેબુનિયાદ, તથ્યહિન, વાહિયાત, હલકી કક્ષાનું અને અસ્વીકાર્ય છે : ગૌતમભાઈ ગેડીયા
મહુઆ મોઇત્રાનું નિવેદન માત્ર ગુજરાતીઓનું જ નહીં, પરંતુ તમામ હુતાત્માઓ અને સ્વતંત્રતા સેનાનીઓનું ઘોર અપમાન છે : પૂજ્ય મહાત્મા ગાંધીજી, સરદાર પટેલ, વીર સાવરકરને આઝાદીની લડતમાંથી બાદ કરવા એ કયા પ્રકારની માનસિક વિકૃતિ છે? ગૌતમભાઈ ગેડીયા

અમદાવાદ તા.૩૦ : ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, ગુજરાત ભાજપાના પ્રદેશ ઉપાધ્યક્ષ ગૌતમભાઈ ગેડીયાએ આજે ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ‘, કોબા, ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું.
પ્રદેશ ઉપાધ્યક્ષ ગૌતમભાઈ ગેડીયાએ પત્રકાર પરિષદમાં તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાના દેશના સ્વતંત્રતા સંગ્રામમાં ગુજરાતીઓનું યોગદાન નથી તે નિવેદનની આકરા શબ્દોમાં આલોચના કરી હતી અને જણાવ્યું હતું કે, મહુઆ મોઇત્રાએ આપેલું બેબુનિયાદ, તથ્યહિન, વાહિયાત અને હલકી કક્ષાનું નિવેદન જરા પણ સ્વીકાર્ય નથી. આઝાદીનું આંદોલન કાશ્મીરથી કન્યાકુમારી અને કચ્છથી કામરૂપ સુધી પ્રત્યેક ભાષા અને પ્રાંતના લોકોના સહયોગથી લડાયું હતું, જેમાં 6 લાખથી વધુ વીરોએ પ્રાણની આહુતિ આપી છે. મહુઆ મોઇત્રાનું આ નિવેદન માત્ર ગુજરાતીઓનું જ નહીં, પરંતુ તે તમામ હુતાત્માઓ અને સ્વતંત્રતા સેનાનીઓનું ઘોર અપમાન છે, જે તેમની બૌદ્ધિક નાદારીનું પ્રદર્શન કરે છે.
તેમણે વધુમાં ઉમેર્યું કે, કોંગ્રેસ અને યુપીએ ગઠબંધનની માનસિકતા હંમેશા ગુજરાત વિરોધી રહી છે. સરદાર વલ્લભભાઈ પટેલે બારડોલી સત્યાગ્રહ દ્વારા અંગ્રેજોના દાંત ખાટા કર્યા હતા અને આઝાદી બાદ 562 રજવાડાઓને એકત્ર કરી અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું, પરંતુ ઈતિહાસમાં આવા અનેક પરાક્રમોને દબાવવાનો પ્રયાસ થયો છે. ગુજરાતની ધરા પર માનગઢ હિલ ખાતે ગુરુ ગોવિંદના નેતૃત્વમાં 1500થી વધુ આદિવાસી ભાઈ-બહેનોએ આપેલી શહીદી એ ગુજરાતના બલિદાનનો જીવંત પુરાવો છે.
વીર સાવરકર અને ગુજરાતના ક્રાંતિવીરો વિશે વાત કરતા શ્રી ગેડીયાએ કહ્યું કે, સાવરકરજીનું અપમાન એ સમગ્ર રાષ્ટ્રનું અપમાન છે. ગુજરાત અને મહારાષ્ટ્રની સંયુક્ત વિરાસત તથા સરદાર પટેલ, મહાત્મા ગાંધી, ઈન્દુલાલ યાજ્ઞિક, રવિશંકર મહારાજ અને વિદેશની ધરતી પર તિરંગો લહેરાવનાર મેડમ કામા જેવા અનેક લડવૈયાઓના યોગદાનને નકારી શકાય તેમ નથી. પૂજ્ય મહાત્મા ગાંધીજી જેવા રાષ્ટ્રપિતાને આ લડતમાંથી બાદ કરવા એ કયા પ્રકારની માનસિક વિકૃતિ છે?
અંતમાં તેમણે આકરા પ્રહાર કરતા સવાલ કર્યો હતો કે, શું મહુઆ મોઇત્રાએ આ પ્રાંતવાદનું ઝેર ઓકવાનું નિવેદન પણ કોઈની પાસેથી રૂપિયા લઈને કર્યું છે? કારણ કે ભૂતકાળમાં સંસદમાં સવાલ પૂછવા માટે રૂપિયા લેવાનો તેમનો કાળો ઇતિહાસ રહ્યો છે. શ્રી ગેડીયાએ યુપીએ ગઠબંધન અને કોંગ્રેસને પણ સ્પષ્ટતા કરવા પડકાર ફેંક્યો હતો કે તેઓ આ નિવેદન સાથે સહમત છે કે કેમ? ચૂંટણી સમયે પ્રાંતવાદ અને ભાષાવાદના નામે દેશની એકતા અને અખંડિતતા પર પ્રહાર કરવાની આ માનસિકતાનો જનતા ચોક્કસપણે જડબાતોડ જવાબ આપશે.
આ પત્રકાર પરિષદમાં પ્રદેશ ભાજપાના મુખ્ય પ્રવકતા ડૉ. અનિલભાઈ પટેલ તથા પ્રદેશ સહ પ્રવકતા ડૉ. અશ્વિનભાઈ બેંકર ઉપસ્થિત રહ્યાં હતાં.તેમ પ્રશાંત વાળા પ્રદેશ મીડિયા ઇન્ચાર્જ ભાજપા ગુજરાતની યાદીમાં જણાવાયું છે.
(2:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
