News of Monday, 30th March 2026
ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની પ્રોવિઝનલ આન્સર-કી જાહેર : બોર્ડની વેબસાઇટ પરથી વિગતો મેળવી શકાશે
ગણિત, ભૌતિકવિજ્ઞાન, રસાયણવિજ્ઞાન અને જીવવિજ્ઞાન વિષયના પ્રશ્નપત્રોની આન્સર-કી સામે વાંધા રજૂ કરવા માટે 4 એપ્રિલ સુધીની મુદ્દત : પ્રશ્નદીઠ 500 રૂપિયા ફી ભરવાની રહેશે

ગાંધીનગર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ફેબ્રુઆરી/માર્ચ-2026માં લેવાયેલ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા (ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ) ના મહત્વના વિષયોની પ્રોવિઝનલ આન્સર-કી જાહેર કરવામાં આવી છે. બોર્ડ દ્વારા ગણિત (050), રસાયણવિજ્ઞાન (052), ભૌતિકવિજ્ઞાન (054) અને જીવવિજ્ઞાન (056) વિષયના પ્રશ્નપત્ર સેટ નંબર 1 થી 20 ની આન્સર-કી પ્રસિદ્ધ કરવામાં આવી છે.
ઓનલાઇન માધ્યમથી મેળવી શકાશે આન્સર-કી:
ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી માધ્યમના તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવેલ આ પ્રોવિઝનલ આન્સર-કી બોર્ડની સત્તાવાર વેબસાઇટ www.gseb.org પર મૂકવામાં આવી છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ આ વેબસાઇટ પર જઈને પોતપોતાના વિષય અને માધ્યમ મુજબની આન્સર-કી ચકાસી શકશે.
વાંધા રજૂ કરવા માટેની પ્રક્રિયા અને અંતિમ તારીખ:
બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી આ આન્સર-કી અંગે જો કોઈને પણ રજૂઆત કે વાંધો હોય, તો તેઓ નિયત નમૂનામાં વિષયવાર, માધ્યમવાર અને પ્રશ્નદીઠ અલગ અલગ રજૂઆત કરી શકશે. વાંધા રજૂ કરવા માટેની અંતિમ તારીખ 04/04/2026, શનિવાર સાંજે 18:00 કલાક સુધીની નક્કી કરવામાં આવી છે. રજૂઆત માત્ર ઈ-મેઈલ આઈડી: [email protected] મારફતે જ સ્વીકારવામાં આવશે.
ફી અને ચલણ સંબંધી સૂચનાઓ:
કોઈપણ પ્રશ્ન સામે રજૂઆત કરવા માટે ઉમેદવારે પ્રશ્નદીઠ રૂા. 500/- ની નિયત ફી ચલણથી "SBI BANK" માં ભરવાની રહેશે. આ ચલણનો નમૂનો પણ બોર્ડની વેબસાઈટ પર ઉપલબ્ધ છે. રજૂઆત સાથે નાણાં ભરેલા ચલણની નકલ ઈ-મેઈલ મારફતે મોકલવી અનિવાર્ય છે, ચલણ વગરની રજૂઆત ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં. જો ઉમેદવાર દ્વારા કરવામાં આવેલી રજૂઆત સાચી ઠરશે, તો તે પ્રશ્ન માટે ભરેલી ફી ઉમેદવારને પરત કરવામાં આવશે. વધુ માહિતી માટે વિદ્યાર્થીઓને બોર્ડની વેબસાઇટની નિયમિત મુલાકાત લેવા સૂચના આપવામાં આવી છે.
(4:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
