<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th March 2026

સમાન નાગરિક સંહિતા (UCC) બિલ વિધાનસભામાં પસાર થયા બાદ રાજ્યપાલ પાસે મંજૂરી માટે પહોંચ્યું

રાજ્યપાલની સહી બાદ આ બિલ રાષ્ટ્રપતિની અંતિમ મંજૂરી માટે મોકલાશે :રાષ્ટ્રપતિની મહોર લાગતાની સાથે જ ગુજરાતમાં તમામ ધર્મો માટે લગ્ન, વારસો અને છૂટાછેડા જેવા વિષયો પર એકસમાન કાયદો લાગુ થશે.

અમદાવાદ :ગુજરાતમાં લાંબા સમયથી જેની ચર્ચા અને રાહ જોવાઈ રહી હતી, તે સમાન નાગરિક સંહિતા (UCC) બિલ હવે તેના અમલીકરણના નિર્ણાયક તબક્કામાં પહોંચી ગયું છે. ગુજરાત વિધાનસભામાં પસાર થયા બાદ આ મહત્વકાંક્ષી બિલ હવે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પાસે મંજૂરી માટે મોકલી દેવામાં આવ્યું છે. આ પગલું રાજ્યમાં કાયદાકીય સમાનતા લાવવાની દિશામાં એક મોટું પરિવર્તન માનવામાં આવી રહ્યું છે.

 

મળતી જાણકારી અનુસાર રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ટૂંક સમયમાં આ બિલ પર હસ્તાક્ષર કરીને પોતાની મંજૂરી આપી શકે છે. જોકે, આ બિલ પર્સનલ લો અને બંધારણીય જોગવાઈઓ સાથે જોડાયેલું હોવાથી, રાજ્યપાલની મંજૂરી મળશે તો અંતિમ મહોર માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પાસે મોકલવામાં આવશે. રાષ્ટ્રપતિની મંજૂરી મળતાની સાથે જ ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા એક કાયદો (Law) બની જશે અને સમગ્ર રાજ્યમાં અમલી બનશે.

 

સમાન નાગરિક સંહિતા એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ એક એવો પ્રસ્તાવિત કાયદો છે જે તમામ ધર્મના નાગરિકો માટે સમાન નિયમો લાગુ કરશે. હાલમાં ભારતમાં લગ્ન છૂટાછેડા, વારસોઅને  દત્તક  લેવા જેવી બાબતો માટે અલગ-અલગ ધર્મોના પોતાના પર્સનલ લો અમલમાં છે. UCC નો મુખ્ય હેતુ આ વિવિધતાને દૂર કરીને એક રાષ્ટ્ર, એક કાયદાની વિભાવનાને સાકાર કરવાનો છે.

 

ગુજરાત સરકારનું માનવું છે કે આ કાયદો આવવાથી સમાજમાં લિંગ સમાનતા વધશે. ખાસ કરીને મહિલાઓના અધિકારોનું રક્ષણ થશે અને તમામ નાગરિકોને ધર્મના ભેદભાવ વગર સામાજિક ન્યાય  પ્રાપ્ત થશે. વારસા અને મિલકતના હક જેવી જટિલ બાબતોમાં પણ પારદર્શિતા આવશે. આ બિલના અમલીકરણ સાથે ગુજરાત, ઉત્તરાખંડ બાદ UCC લાગુ કરનાર દેશનું મહત્વનું રાજ્ય બની શકે છે. આગામી દિવસોમાં રાષ્ટ્રપતિ તરફથી મળનારી મંજૂરી પર હવે સૌની મીટ મંડાયેલી છે.

(6:54 PM IST)