<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th March 2026

અમદાવાદમાં 2 કરોડની નકલી નોટ કેસમાં મુખ્ય આરોપી પ્રદીપ જોટાંગિયા સહિતના શખ્સોના 10 દિવસના રિમાન્ડ પૂર્ણ

કોર્ટમાં રજૂ કરાતા સુનાવણી બાદ અદાલતે આરોપીઓને જેલહવાલે કરવાનો આદેશ આપ્યો

અમદાવાદ: શહેરમાં ખળભળાટ મચાવનાર 2 કરોડની નકલી નોટોના કેસમાં તપાસનો ધમધમાટ તેજ બન્યો છે. આ કેસના મુખ્ય સૂત્રધાર ગણાતા પ્રદીપ જોટાંગિયા સહિતના અન્ય આરોપીઓના 10 દિવસના પોલીસ રિમાન્ડ પૂર્ણ થતા આજે તેમને અમદાવાદની મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. સુનાવણી બાદ અદાલતે આરોપીઓને જેલહવાલે કરવાનો આદેશ આપ્યો છે.

 

થોડા દિવસો પૂર્વે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એક ગુપ્ત બાતમીના આધારે દરોડો પાડીને 2 કરોડની માતબર રકમના દરની નકલી નોટો ઝડપી પાડવામાં આવી હતી. આ ઓપરેશનમાં પ્રદીપ જોટાંગિયા અને તેના સાથીદારોની ધરપકડ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે આ ટોળકી અત્યંત આધુનિક મશીનરીનો ઉપયોગ કરીને આબેહૂબ અસલી લાગે તેવી નોટો છાપતી હતી. આ નોટો બજારમાં ઘુસાડવાનું મોટું નેટવર્ક હોવાની આશંકાને પગલે પોલીસે 10 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.

 

પોલીસ કસ્ટડી દરમિયાન ક્રાઈમ બ્રાન્ચની ટીમે આરોપીઓની સઘન પૂછપરછ કરી હતી. તપાસમાં સામે આવ્યું કે આ કૌભાંડના તાર ગુજરાતના અન્ય શહેરો તેમજ અન્ય રાજ્યો સાથે પણ જોડાયેલા હોઈ શકે છે. પ્રદીપ જોટાંગિયા  આ આખા નેટવર્કનું સંચાલન કરતો હતો અને કાગળથી લઈને શાહી સુધીની સામગ્રી ક્યાંથી આવતી હતી તે દિશામાં તપાસ કરવામાં આવી હતી. રિમાન્ડ પૂર્ણ થતા આજે પોલીસ દ્વારા તેમને ફરી કોર્ટમાં લવાયા હતા.

 

મેટ્રો કોર્ટમાં રજૂઆત વખતે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અત્યાર સુધીની તપાસનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. જોકે, વધુ રિમાન્ડની માંગણી કરવાને બદલે હાલ તબક્કે આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. હવે આ કેસમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે અને આ નકલી નોટો ક્યાં ક્યાં વટાવવામાં આવી છે, તે બાબતે પોલીસ ચાર્જશીટની તૈયારીઓ કરી રહી છે. શહેરની શાંતિ અને અર્થતંત્રને નુકસાન પહોંચાડવાના આ ગંભીર ગુનામાં કડક સજા થાય તે દિશામાં કાયદાકીય પ્રક્રિયા ચાલી રહી છે.

(6:55 PM IST)