<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th March 2026

રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે: ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદની શક્યતા

આગાહી મુજબ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે જેના કારણે કેટલીક જગ્યાએ ધૂળના વંટોળ પણ ઊભા થઈ શકે :ખેડૂતો અને ખુલ્લામાં કામ કરતા લોકોને સાવચેતી રાખવાની સલાહ

અમદાવાદ :રાજ્યમાં હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. ઉનાળાની ગરમી વચ્ચે હવે માવઠાના એંધાણ સામે આવ્યા છે, જેના કારણે લોકોને થોડી રાહત મળી શકે છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ રાજ્યના અનેક વિસ્તારોમાં આગામી દિવસોમાં વાતાવરણ પલટી ખાવાની શક્યતા છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 2 અને 3 એપ્રિલ દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ દરમિયાન આકાશમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે.

આ સાથે જ પવનની ઝડપમાં પણ વધારો જોવા મળી શકે છે. આગાહી મુજબ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જેના કારણે કેટલીક જગ્યાએ ધૂળના વંટોળ પણ ઊભા થઈ શકે છે. ખેડૂતો અને ખુલ્લામાં કામ કરતા લોકોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.

હવામાનમાં આ અચાનક ફેરફાર પાછળ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે. આ સિસ્ટમના પ્રભાવથી રાજ્યમાં માવઠું થવાની શક્યતા છે, જે ઉનાળાની શરૂઆતમાં સામાન્ય રીતે ઓછું જોવા મળે છે.

(8:22 PM IST)