<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 31st March 2026

મોરબીના સિરામિક ઉદ્યોગોમાં વપરાતા નેચરલ ગેસનો ભાવ એપ્રિલથી સીધો ડબલ

કોપા, નિકાસના ભારે અસર તેવામાં પડયા પર પાટુ લાગશે : ઈરાન યુધ્‍ધ પહેલાં ગેસનો ભાવ રૂ.૪૧ હતો, હવે એપ્રિલથી ટોટલ કન્‍ઝપ્‍સન ઉપર ભાવ રૂ.૮૫ કરાશે

અમદાવાદ,તા.૩૧: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસના ભાવમાં તોતિગ એટલે કે સીધો ડબલ વધારો આવવાનો છે. અત્‍યારે મોટાભાગના સિરામિક એકમો બંધ છે. પણ ૭૦ જેટલા સિરામિક યુનિટોમાં ગુજરાત ગેસની સપ્‍લાય ચાલુ છે. ગુજરાત માર્ચ મુજબ, જો ઉદ્યોગો ૫૦% સુધીનો વપરાશ કરે તો તેમને ૪૧ રૂપિયા પ્‍લસ ટેક્‍સના ભાવે ગેસ પૂરો પાડવામાં આવતો હતો. જ્‍યારે છેલ્‍લા ૬ મહિનાના કન્‍ઝપ્‍શન પ્રમાણે ૫૦ થી ૮૦% વચ્‍ચેના વપરાશ પર ૬૩ રૂપિયાનો ભાવ લેવામાં આવ્‍યો હતો. પણ હવે એપ્રિલ મહિનાથી ગેસના ભાવમાં સીધો જ ડબલ જેટલો ભાવ વધારો કરી ગુજરાત ગેસ દ્વારા નવો ઇન્‍ડિકેટિવ ભાવ રૂ.૮૫ પ્‍લસ ટેકસ આપવામાં આવ્‍યો છે. આ નવો ભાવ હવેથી કુલ વપરાશ પર લાગુ પડશે, કારણ કે કંપનીને નવો માલ નવા ભાવે કરવાનું મુખ્‍ય કારણ મોરબીમાંથી આવતી ૭૦ લાખ કયુબીક મીટર ગેસની અધધ ડિમાન્‍ડ છે. હાલમાં પ્રોપેન ગેસ ઉપલબ્‍ધ ન હોવાથી પ્રોપેન વાપરતા ઉદ્યોગો પણ નેચરલ ગેસ તરફ વળવાનું આયોજન કરી રહ્યા છે,

સૂત્રોના જણાવ્‍યા અનુસાર સિરામિક એસોસિએશનની મિટિગમાં દરેક ઉદ્યોગકારોને ગુજરાત ગેસના એમજીઓ માટે અરજી ન કરવાનું સૂચન કરવામાં આવ્‍યું હતું. એસોસિએશન કમિટી દ્વારા ગેસના ભાવ ઘટાડવા અને ગેસ ઉપરનો વેટ દૂર કરવા સરકાર સાથે ચર્ચા ચાલી રહી છે. આગામી દિવસોમાં આ મામલે સરકારમાં રજુઆત પણ કરવામાં આવશે. જોકે આ બાબતે સિરામિક એસોસિએશન દ્વારા કોઈ ફોડ પાડવામાં આવ્‍યો નથી.

અદાણી ગેસના અધિકારી સૂત્રોના જણાવ્‍યા અનુસાર અદાણી ગેસ માંડલ રોડ પર આવેલા બે સિરામિક એકમો અને મૂળીમાં આવેલ એક સિરામિક એકમમાં ગેસ પૂરો પાડે છે. તેમાંથી હાલ બે ફેકટરીમાં સપ્‍લાય બંધ છે. હાલ એક ફેક્‍ટરીમાં જ સપ્‍લાય ચાલુ છે. અદાણી ગેસનો હાલનો ભાવ ૫૦ પ્‍લસ ટેક્‍સ છે. ગુજરાત ગેસની જેમ જ અદાણી ગેસે પણ પોતાના સપ્‍લાયમાં કાપ મૂક્‍યો છે. 

ટાઇલ્‍સના ભાવમાં તોતિંગ વધારાની શકયતા

ગેસ પુરવઠામાં કાપ મૂકતા સિરામિક ઉદ્યોગને એક મહિનાનું શટડાઉન કરવાની ફરજ પડી છે. ગુજરાત ગેસ દ્વારા નેચરલ ગેસના ભાવમાં સીધો જ ડબલ તોતિગ ભાવ વધારો કરતા આ ભાવ વધારાના કારણે ટાઇલ્‍સની પડતર કોસ્‍ટમાં જબરો વધારો આવવાની શક્‍યતા છે.

 

(10:07 AM IST)