News of Tuesday, 31st March 2026
સુરતના લિબાયતમાં આગ લાગતા એક બાળકઃ ચાર મહિલાના મોત
મીઠી ખાડી નજીકમાં એક મકાનમાં આગ લાગી હતી. સ્થાનિક પોલીસ સહિત ફાયર વિભાગ અને એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ બૂઝાવી દીધી

સુરત,તા.૩૧: શહેરના લિબાયત વિસ્તારમાં આગની ગોઝારી ઘટના ઘટી છે. જેમાં એક બાળક સહિત પાંચ લોકોના મોત નીપજ્યાના સમાચાર મળી રહ્યા છે. શહેરના લિબાયત વિસ્તારમાં આવેલા મકાનમાં અચાનક આગ લાગતા ઘરમાં ઉપસ્થિત લોકો ગંભીર રીતે દાઝ્યા હતા. જોકે, તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યાં બાળક સહિત પાંચ લોકોના મોત નીપજ્યા છે. સ્થાનિક પોલીસ સહિત ફાયર વિભાગ અને એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ બૂઝાવી દીધી છે. રહેણાંક વિસ્તારમાં આગ લાગતા આસપાસના લોકો પણ ગભરાયા હતા અને લોકોમાં રોષ પ્રસર્યો હતો.
સુરતના લિબાયત વિસ્તારમાં આવેલી મીઠી ખાડી નજીકમાં એક મકાનમાં આગ લાગી હતી. રહેણાંક વિસ્તારમાં આવેલા મકાનમાં મોટા પ્રમાણમાં સાડીનો જથ્થો મુકવામાં આવ્યો હતો. પોલીસે પ્રાથમિક માહિતી આપતા જણાવ્યું હતુ કે, કપડાની વચ્ચે ફોર્મ મુકવાના આવે છે. પ્રાથમિક દ્રષ્ટીએ આ ફોર્મમાં આગ લાગ્યા બાદ તે પ્રસરી હોય તેમ લાગી રહ્યુ છે. આગળની તપાસ ફાયરની ટીમ અને પોલીસ સાથે રહીને કરશે. આ ઘરમાં એક બાળક અને ચાર મહિલા હતા.
મકાનમાં ઉપસ્થિત બાળક સહિત ચાર મહિલા ગંભીર રીતે દાઝ્યા હતા. ગંભીર રીતે દાઝેલા આ લોકોને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન જ પાંચ લોકોના મોત નીપજ્યા છે. માહિતી એવી પણ મળી રહી છે કે, આ ઘરમાં સાડીનું ગોડાઉન બનાવાયું હતું. એટલે અહીં નાનકડી આગ ઝડપથી પ્રસરી ગઈ હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. આ ઘરમાં મોટી સંખ્યામાં સાડીઓના થપ્પા કરવામાં આવ્યા હતા.
ફાયરની ટીમે આ અંગે જણાવ્યુ કે, જ્યારે અમે અહીં આવ્યા ત્યારે અહીં ખૂબ જ ધુમાડો હતો અને વિઝિબ્લિટી ઝીરો થઈ ગઈ હતી. જોકે, અમારી ટીમ ઉપર પહોંચી અને આગ પર કાબૂ મેળવવામાં આવ્યો છે.
રહેણાંક વિસ્તારમાં આગ લાગતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. લિબાયત પોલીસનો કાફલો લોકોને સમજાવવાનો પ્રયાસ થઈ રહ્યા છે.
(2:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
