News of Tuesday, 31st March 2026
ટિકિટ ફાળવણી અંગે કોઈ નવી નીતિ નહીં : ચૂંટણી સમિતિ નક્કી કરશે માપદંડ : જગદીશ વિશ્વકર્મા
બીજી એપ્રિલ સુધી સેન્સ પ્રક્રિયા : જગદીશ વિશ્વકર્માની પત્રકારો સાથે વાતચીત

રાજકોટ, તા. ૩૧ : રાજકોટની મુલાકાતે આવેલા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ સર્કીટ હાઉસ ખાતે પત્રકારો સાથે પણ અલપઝલપ વાત કરી હતી. તેમણે સ્થાનિક સ્વરાજની ચૂંટણી સંદર્ભે કેટલાક સવાલોના જવાબ આપ્યા હતા. એક પ્રશ્નના ઉત્તરમાં તેમણે કહ્યુ હતું કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપ દ્વારા હાલમાં સેન્સની પ્રક્રિયા શરૂ થઇ છે જે બીજી તારીખ સુધી ચાલશે.
તેમણે કહ્યુ હતું કે, જ્યાં સુધી ટિકિટ માટેના ક્રાઈટએરિયાની વાત છે તો હજુ સુધી ગુજરાત ભાજપની ચૂંટણી સમિતિની બેઠક મળી નથી. આ બેઠક મળે ત્યારે તેમા ચર્ચા કરવામાં આવશે. પત્રકારોએ તેમને પૂછયુ હતું કે, નો રીપીટ થીયરી કે પછી ૬૦ વર્ષે ધરાવનારને ટીકીટ નહી મળે તેવી વાત ચાલી રહી છે તો તે અંગે તેમણે કહ્યું હતું કે, હાલમાં કોઇ નવી નીતિ ઘડવામાં આવી નથી અને પ્રદેશ સંગઠન જૂની નીતિ પ્રમાણે જ ચાલી રહી છે. ગુજરાત ભાજપમાં સરકારમાં રાજકોટનું કોઈ મજબુત પ્રતિનિધિત્વ નથી તેને લીધે પ્રજાકીય પ્રશ્નો ટલ્લે ચડે છે તેવા સવાલના જવાબમાં જગદીશ વિશ્વકર્માએ કહ્યુ હતું કે, રાજકોટનું પ્રતિનિધિત્વ મજબુત જ છે.ભૂતકાળમાં અહી મુખ્યમંત્રી પણ હતા અને અત્યારે પણ શક્તિશાળી નેતાઓ છે. સરકાર બધા વિસ્તારને એક નજરે જ જુએ છે તેથી પ્રતિનિધિત્વના અભાવને લીધે પ્રશ્નો ટલે ચડતા હોય એવું નથી. જો કે, તેમણે રાજકોટના સાંઢીયા પુલના કામમાં થઇ રહેલા વિલંબ અંગે સ્થાનિક હોદ્દેદારો પાસેથી વિગતો જાણી હતી.
આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ, અનિરુદ્ધ દવે, હિતેષ ચુડાસમાના પ્રદેશ મીડીયા સંયોજક પ્રશાંત વાળા, શહેર ભાજપ પ્રમુખ માધવ દવે, રાજુભાઇ ધ્રુવ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા.
(1:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
