News of Tuesday, 31st March 2026
સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ : કાલે જામનગર જિલ્લા ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ

રાજકોટ, તા., ૩૧: ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો છે, ત્યારે જામનગર જિલ્લા ભાજપ દ્વારા સંગઠનાત્મક તૈયારીઓના ભાગરૂપે ઉમેદવારોની પસંદગી માટેની ‘સેન્સ પ્રક્રિયા' હાથ ધરવાની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા નિયુક્ત કરવામાં આવેલા નિરીક્ષકોની વિશેષ ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના ઉમેદવારો માટે આ પ્રક્રિયા યોજાશે.
ભાજપની પરંપરા મુજબ, ચૂંટણીમાં પાયાના અને સક્ષમ ઉમેદવારોને તક મળે તે હેતુથી ‘સેન્સ પ્રક્રિયા' યોજવામાં આવે છે. આ પ્રક્રિયા અંતર્ગત સ્થાનિક સ્તરે કાર્યકર્તાઓ અને ચૂંટણી લડવા ઈચ્છતા ઉમેદવારોના અભિપ્રાયો અને રજૂઆતોને સાંભળવામાં આવશે. જિલ્લા ભાજપના જણાવ્યા અનુસાર, જે કાર્યકર્તાઓ કે ઈચ્છુક ઉમેદવારો આગામી ચૂંટણી લડવા માંગતા હોય, તેઓ નિર્ધારિત સમય અને સ્થળ મુજબ નિરીક્ષકો સમક્ષ પોતાની દાવેદારી રજૂ કરી શકશે.
આ સમગ્ર પ્રક્રિયાના સુચારુ સંચાલન માટે જિલ્લા ભાજપ દ્વારા બે અલગ-અલગ ગ્રુપમાં વ્યવસ્થા ટીમોની નિમણૂક કરવામાં આવી છે. જેમાં ગ્રુપ-૧ માં જોડિયા, ધ્રોલ, જામનગર તાલુકો અને સિક્કા શહેરનો સમાવેશ થાય છે, જેની જવાબદારી અભિષેકભાઈ પટવા અને રણમલભાઈ કાંબરીયા ને સોંપાઈ છે. જ્યારે ગ્રુપ-૨ માં કાલાવડ, લાલપુર અને જામજોધપુર તાલુકાનો સમાવેશ થાય છે, જેની વ્યવસ્થા ભવદીપભાઈ પંડયા અને ભુમિતભાઈ ડોબરિયા સંભાળશે.
ભાજપના મતે આ એક અત્યંત પારદર્શક અને સંગઠન આધારિત પરંપરા છે, જેમાં દરેક કાર્યકર્તાના મંતવ્યને પ્રાધાન્ય આપીને જીતી શકે તેવા ઉમેદવારોની પેનલ તૈયાર કરવામાં આવશે. આ પ્રક્રિયા બાદ નિરીક્ષકો પોતાનો અહેવાલ પ્રદેશ હાઈકમાન્ડને સુપરત કરશે. તેવું ભાજપની યાદી મા જણાવ્યું છે .
(4:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
