News of Tuesday, 31st March 2026
અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિકનું મહત્વનું જાહેરનામું : આશીર્વાદના નામે કિન્નરો દ્વારા કરાતી નાણાંની ઉઘરાણી અને પજવણી પર લગાવ્યો પ્રતિબંધ
લગ્ન કે પ્રસંગોએ ૧૧,૦૦૦ થી ૨૧,૦૦૦ જેવી મોટી રકમ માટે દબાણ કરવા, અભદ્ર વર્તન કરવા કે ટ્રાફિક સિગ્નલ પર વાહનો રોકવા પર રોક : જાહેરનામાનો ભંગ કરનાર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૨૨૩ હેઠળ કડક ફોજદારી કાર્યવાહી કરાશે

અમદાવાદ:અમદાવાદ શહેરમાં છેલ્લા લાંબા સમયથી ટ્રાન્સજેન્ડર (કિન્નરો) દ્વારા નાગરિકો પાસેથી જબરદસ્તીથી નાણાં પડાવવાની અને શુભ પ્રસંગોએ પજવણી કરવાની વધતી જતી ફરિયાદોને ધ્યાને રાખીને અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા એક અત્યંત મહત્વનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. નાગરિકોની સુરક્ષા, શાંતિ અને સુખાકારી જાળવવા માટે અમલમાં મૂકાયેલા આ આદેશ મુજબ, આશીર્વાદના નામે થતી 'ખંડણી' જેવી પ્રવૃત્તિઓ પર હવે કાયદાકીય લગામ કસવામાં આવી છે.
ચોક્કસ અને મોટી રકમ માંગવા પર પ્રતિબંધ:
પોલીસ કમિશનરના આદેશ મુજબ, હવેથી કિન્નરો લગ્ન પ્રસંગે, બાળકના જન્મ વખતે કે અન્ય કોઈ સામાજિક શુભ પ્રસંગે નાગરિકોના ઘરે જઈને ૧૧,૦૦૦ કે ૨૧,૦૦૦ જેવી મનસ્વી અને મોટી રકમ આપવા માટે દબાણ કરી શકશે નહીં. નાગરિકો પોતાની સ્વેચ્છાએ અને ખુશીથી જે કંઈ ભેટ કે રકમ આપે તે જ કિન્નરોએ સ્વીકારવાની રહેશે. નાણાં માટે નાગરિકોને મજબૂર કરવા એ હવેથી ગુનો ગણાશે.
અશોભનીય વર્તન અને ધાક-ધમકી સામે લાલ આંખ:
જાહેરનામામાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે પૈસા મેળવવા માટે કિન્નરો દ્વારા કરવામાં આવતા અશ્લીલ ચેનચાળા, ગાળાગાળી કે જાહેર સ્થળોએ કપડાં ઉતારવા જેવી અશોભનીય હરકતો પર સંપૂર્ણ પ્રતિબંધ છે. આ ઉપરાંત, નાગરિકોના ઘરમાં જબરદસ્તીથી ઘૂસવું અથવા રસ્તો રોકીને ઊભા રહી જવું એ ગુનાહિત કૃત્ય ગણાશે. શહેરના વ્યસ્ત ચાર રસ્તાઓ કે ટ્રાફિક સિગ્નલ પર વાહનો રોકીને વાહનચાલકો પાસે પૈસા માંગવા પર પણ રોક લગાવી દેવામાં આવી છે, કારણ કે તેનાથી ટ્રાફિકમાં અડચણ ઉભી થાય છે અને અકસ્માતનો ભય રહે છે.
BNS હેઠળ કાયદેસરની કાર્યવાહી:
જો કોઈ પણ કિન્નર આ જાહેરનામાની જોગવાઈઓનો ભંગ કરતા જણાશે, તો તેમની વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૨૨૩ (જાહેર સેવકના આદેશનો અનાદર) અને અન્ય સંબંધિત કડક કલમો હેઠળ ગુનો નોંધવામાં આવશે. પોલીસ કમિશનર દ્વારા તમામ પોલીસ અધિકારીઓને સત્તા આપવામાં આવી છે કે તેઓ આવી પજવણી કરનારાઓ સામે ત્વરિત અને કડક પગલાં ભરે.
નાગરિકો માટે પોલીસની માર્ગદર્શિકા:
પોલીસ તંત્રએ નાગરિકોને અપીલ કરી છે કે જો કોઈ વ્યક્તિ ઘરે આવીને મોટી રકમ માટે દબાણ કરે અથવા ધાક-ધમકી આપે, તો ડરવાની જરૂર નથી. નાગરિકો તાત્કાલિક ૧૦૦ અથવા ૧૧૨ નંબર પર ફોન કરીને પોલીસની મદદ માંગી શકે છે અથવા નજીકના પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ કરી શકે છે. આ જાહેરનામાનો હેતુ ટ્રાન્સજેન્ડર સમુદાયને હેરાન કરવાનો નથી, પરંતુ સન્માનજનક રીતે સમાજમાં રહેવા પ્રોત્સાહિત કરવાનો અને નાગરિકોની પજવણી રોકવાનો છે.
(9:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
