તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 1st April 2026
સુરતમાં રાજકીય ગરમાવો : વિવાદાસ્પદ પોસ્ટરો લગાવવા મામલે કાનૂની વળાંક :અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ
શહેરના પાંડેસરા, ડિંડોલી, કતારગામ અને પુણા એમ 4 પોલીસ મથકોમાં અજાણ્યા શખ્સો સામે ગુના દાખલ :ભાજપની છબી ખરડવાના આશયથી ખોટા દસ્તાવેજો અને પત્રિકાઓ તૈયાર કરી તેને જાહેર સ્થળો પર પ્રદર્શિત કરાઈ

સુરત :સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્વે સુરતનું રાજકીય વાતાવરણ અત્યંત ગરમાયું છે, જેમાં ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ વિવાદાસ્પદ પોસ્ટરો લગાવવાની ઘટનાએ હવે કાનૂની વળાંક લીધો છે. શહેરના પાંડેસરા, ડિંડોલી, કતારગામ અને પુણા એમ 4 મહત્વના પોલીસ મથકોમાં અજાણ્યા શખ્સો સામે આ મામલે ગુના દાખલ કરવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસ મુજબ, ભાજપની છબી ખરડવાના આશયથી ખોટા દસ્તાવેજો અને પત્રિકાઓ તૈયાર કરી તેને જાહેર સ્થળો પર પ્રદર્શિત કરવામાં આવી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કૃત્ય પાછળ આમ આદમી પાર્ટી (AAP) સાથે સંકળાયેલા કાર્યકરોનો હાથ હોવાની પ્રબળ શક્યતા સેવાઈ રહી છે. જોકે, હજુ સત્તાવાર રીતે કોઈ નામ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી. ચૂંટણી ટાણે ઉઠેલા આ 'પોસ્ટર વૉર'એ સ્થાનિક રાજકારણ ગરમાવી દીધું છે, અને ભવિષ્યમાં પ્રચારનો માહોલ વધુ ઉગ્ર બનવાની ભીતિ સેવવામાં આવે છે
સુરતના વિવિધ વિસ્તારોમાં રાતોરાત ભાજપના શાસન અને સ્થાનિક નેતૃત્વ પર પ્રહાર કરતા પોસ્ટરો લાગતા જ સંગઠન હરકતમાં આવ્યું હતું. ભાજપના હોદ્દેદારોએ આક્ષેપ કર્યો છે કે વિરોધ પક્ષો દ્વારા ચૂંટણીલક્ષી ફાયદો મેળવવા માટે સોશિયલ મીડિયા અને ભૌતિક રીતે ભ્રામક પ્રચાર કરવામાં આવી રહ્યો છે. પોલીસ ફરિયાદમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પક્ષના નામે નકલી દસ્તાવેજોનો દુરુપયોગ કરીને જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થયો છે. જાહેર શાંતિ ભંગ કરવા અને માનહાનિ કરવા બદલ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ આ મામલે કડક તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
સુરત હંમેશાથી ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચેના સીધા જંગનું કેન્દ્ર રહ્યું છે, ખાસ કરીને છેલ્લી મહાનગરપાલિકાની ચૂંટણીમાં આપના દેખાવ બાદ આ રાજકીય સ્પર્ધા વધુ તીવ્ર બની છે. આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક છે ત્યારે આ 'પોસ્ટર વોર' માત્ર પ્રચારનું સાધન નથી, પરંતુ મતદારોના માનસ પર અસર પાડવાની એક તરકીબ તરીકે જોવામાં આવે છે. હાલમાં પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી પોસ્ટર લગાવનાર શખ્સોની ઓળખ કરવાની તજવીજ તેજ કરવામાં આવી છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે આગામી દિવસોમાં આ વિવાદ વધુ વકરી શકે છે, જેની સીધી અસર ચૂંટણીના પ્રચાર પ્રસાર અને પક્ષો વચ્ચેના આક્ષેપ-પ્રતિઆક્ષેપ પર જોવા મળશે.
(12:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
