<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st April 2026

ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે દેવકા વિદ્યાપીઠના પ્રણેતા અને ભાગવદ્ કથાકાર "પૂ.ભાઈશ્રી" રમેશભાઈ ઓઝાની ઉપસ્થિતિમાં અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના દેવકા વિદ્યાપીઠના નવનિર્મિત કન્યા છાત્રાલય અને ભોજનાલયના અદ્યતન સુવિધાસભર બિલ્ડિંગનું લોકાર્પણ : જુઓ વિડીયો

સમગ્ર રાજ્યમાં સામાન્ય અને ગરીબ પરિવારના દીકરા-દીકરીઓ ભણી ગણીને આગળ વધી શકે તે પ્રકારની શિક્ષણ વ્યવસ્થા કરી છે : "કન્યા કેળવણી મહોત્સવ" થકી દીકરીઓનો શાળા ડ્રોપ આઉટ રેશીયો ૨ ટકા જેટલો નીચે આવ્યો : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ : દાતાશ્રીઓના સહયોગથી ૧,૧૦૦ બેડની ગર્લ્સ હોસ્ટેલ અને ૫૮૦ વિદ્યાર્થિનીઓની ક્ષમતા સાથેના અદ્યતન સુવિધાસભર બિલ્ડિંગ આકાર પામ્યા : ચાપરડા ગુરુકુળ સંચાલક મુક્તાનંદ બાપુ, જળસંપતિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ, રાજ્ય કક્ષા મંત્રી કૌશિકભાઈ વેકરીયાની વિશેષ ઉપસ્થિતિ

અમરેલી તા.૧ : મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના દેવકા વિદ્યાપીઠ ખાતે નવનિર્મિત અદ્યતન કન્યા છાત્રાલય અને ભોજનાલયના નૂતન બિલ્ડિંગનું તકતી અનાવરણ કરીને લોકાર્પણ કર્યું હતું.

આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે, ગુજરાતમાં કન્યા કેળવણી માટેનો મજબૂત પાયો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રી તરીકે નાખ્યો હતો. સામાન્ય અને ગરીબ પરિવારના દીકરા-દીકરીઓ ભણી ગણીને આગળ વધી શકે તે પ્રકારની શિક્ષણ વ્યવસ્થા કરી  છે. 

શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની સફળગાથા પર પ્રકાશ પાડતાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે 

ઉમેર્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલા કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવને પરિણામે ડ્રોપ આઉટ રેશીયો ઘટીને ૨ ટકા જેટલો નીચે આવ્યો છે. 

દિકરીઓને આર્થિક અગવડના કારણે અભ્યાસ અધુરો છોડવો ન પડે તે માટે રાજ્ય સરકારે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાઓ શરૂ કરી છે. રાજ્યમાં અત્યારસુધીમાં 'નમો લક્ષ્મી' યોજના હેઠળ ૨૧.૩૪ લાખ દીકરીઓને રૂ. ૧,૪૩૮ કરોડની સહાયનો લાભ પહોંચાડવામાં આવ્યો છે. ઉપરાંત નમો સરસ્વતી' યોજના હેઠળ ૨.૯૬ લાખ વિદ્યાર્થીઓને રૂ. ૨૨૦ કરોડની સહાય રકમ સીધી જ તેમના બેન્ક ખાતામાં જમા કરવામાં આવી છે. 

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે શિક્ષણ ક્ષેત્રે રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓને ગેમ ચેન્જર તરીકે વર્ણવતા જણાવ્યું કે, ગુજરાતની દીકરીઓ શિક્ષણ સહિત રમતગમત, સ્ટાર્ટઅપ, સંશોધન અને વહીવટ સહિતના દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે. 

દેવકા વિદ્યાધામમાં શિક્ષણની સાથે જીવનઘડતર  અને ચરિત્ર નિર્માણ, ગીતા પાઠ, સંસ્કાર સિંચન જેવા રાષ્ટ્રીય મૂલ્ય નિર્માણના શિક્ષણયજ્ઞને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે 

 એક અદ્વિતીય પ્રશંસનીય કામગીરી તરીકે બિરદાવી હતી અને પૂ.ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા અને દેવકા વિદ્યાધામને અભિનંદન પાઠવ્યા હતા. 

આ દેવકા વિદ્યાપીઠના પ્રણેતા અને ભાગવદ્ કથાકાર પૂ.ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાએ તેમની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, કોઈપણ રાષ્ટ્રનું ભવિષ્ય તે રાષ્ટ્રના બાળકો છે. આપણે આપણી શિક્ષણ વ્યવસ્થામાં નબળું પ્રદર્શન કરતાં બાળકો પર ધ્યાન કેન્દ્રિત કરીને તેમની પ્રતિભાને ખીલવવાનું કાર્ય કરવા માટે તૈયાર થવું જરૂરી છે. શિક્ષણ થકી જ વિદ્યાર્થીઓની ક્ષમતાઓ નિર્માણ પામે છે.

 

પૂ. ભાઈશ્રીએ ભારતની ક્ષમતાઓને વિશ્વની શ્રેષ્ઠ ક્ષમતાઓ તરીકે બિરદાવતા ઉમેર્યું કે, ભારત આજે વિશ્વ ફલક પર અગ્રણી ભૂમિકા અદા કરી રહ્યું છે. 

 

ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૨માં તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે દેવકા વિદ્યાપીઠનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. 

 

આ પ્રસંગે જળસંપતિ મંત્રી  ઈશ્વરસિંહ પટેલ, રાજ્ય કક્ષા મંત્રી કૌશિકભાઈ વેકરીયા પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. 

 

દેવકા વિદ્યાપીઠ ગર્લ્સ હોસ્ટેલ અને ભોજનાલય નૂતન બિલ્ડિંગ લોકાર્પણ પ્રસંગે દેવકા વિદ્યાપીઠના સૂર્યકાન્તભાઈ ઓઝા, ગૌતમભાઈ ઓઝા સહિતના ટ્રસ્ટીશ્રીઓ, ચાપરડા ગુરુકુળ સંચાલક  મુક્તાનંદ બાપુ, ધારાસભ્ય હિરાભાઈ સોલંકી, મહેશભાઈ કસવાલા, બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

 

(3:12 PM IST)