<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st April 2026

રાજ્યના પંચાયત વિભાગમાં મોટી ફેરબદલ : વિકાસ સેવાના અધિકારીઓ (TDO) ની બદલીના અગાઉના આદેશો રદ્દ કરી નવી નિમણૂકોનો ગંજીપો ચીપાયો : જુઓ સત્તાવાર યાદી

તાલુકા વિકાસ અધિકારીઓની બદલી અને બઢતીના હુકમોમાં સરકારે કર્યો મહત્વનો ફેરફાર : અનેક અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ : પાંચ અધિકારીઓના અગાઉના ઓર્ડર મૂળ અસરથી રદ્દ

ગાંધીનગર: ગુજરાત સરકારના પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા વહીવટી હિતમાં એક મહત્વપૂર્ણ અધિસૂચના બહાર પાડીને વિકાસ સેવા વર્ગ-૨ ના અધિકારીઓની બદલી અને બઢતીના અગાઉના આદેશોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગત ૩૦/૦૩/૨૦૨૬ના રોજ કરવામાં આવેલા કેટલાક બદલી અને બઢતીના હુકમોને મૂળ અસરથી (ab initio) રદ્દ કરી, સંબંધિત અધિકારીઓને તાત્કાલિક અસરથી નવી જગ્યાએ મૂકવામાં આવ્યા છે. સરકારના નાયબ સચિવ અચલ સોનીની સહીથી બહાર પડેલા આ આદેશમાં તમામ અધિકારીઓને તાત્કાલિક ફરજમુક્ત થઈ નવી જગ્યાએ હાજર થવા સૂચના અપાઈ છે.

બદલી અને બઢતીના રદ્દ થયેલા હુકમો અને નવી નિમણૂકોની વિગત:
સરકારે અગાઉની યાદીમાં ફેરફાર કરતા જે અધિકારીઓની નવી નિમણૂકો કરી છે તેની વિગત નીચે મુજબ છે:
 * કુ. દ્રષ્ટિબેન મહેન્દ્રભાઈ ચૌધરી: તેઓની અગાઉ આચાર્ય, તાલીમ કેન્દ્ર, પાટણ ખાતે બદલી કરવામાં આવી હતી, જે રદ્દ કરીને હવે તેઓને મદદનીશ પ્રાયોજના અધિકારી (વહીવટ), જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, પાટણ તરીકે નિમણૂક આપવામાં આવી છે.
 * સંજયકુમાર વિષ્ણુપ્રસાદ જાની: બનાસકાંઠા જિલ્લા પંચાયતના વિસ્તરણ અધિકારી (સહકાર) તરીકે ફરજ બજાવતા આ કર્મચારીને બઢતી આપીને મદદનીશ પ્રાયોજના અધિકારી (યોજના), અરવલ્લી મુકાયા હતા. આ હુકમ રદ્દ કરી હવે તેઓને તાલુકા વિકાસ અધિકારી, ખાનપુર, જિ. મહીસાગર તરીકે બઢતી સાથે નવી નિમણૂક અપાઈ છે.
 * સર્ફરાજભાઇ સિરાજભાઈ વહોરા: આણંદ જિલ્લા પંચાયતના વિસ્તરણ અધિકારી (ખેતી) તરીકે ફરજ બજાવતા આ કર્મચારીને બઢતી આપી તાલુકા વિકાસ અધિકારી, ગલતેશ્વર તરીકે નિમણૂક અપાઈ હતી. જે ફેરવીને હવે તેમને મદદનીશ પ્રાયોજના અધિકારી (વહીવટ), જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, ખેડા તરીકે નવી જવાબદારી સોંપવામાં આવી છે.
 * ગજેન્દ્ર વિરમલભાઈ ચાવડા: જુનાગઢ જિલ્લા પંચાયતના વિસ્તરણ અધિકારી (ખેતી) ને બઢતી આપી ચીટનીશ કમ તાલુકા વિકાસ અધિકારી તરીકે જુનાગઢ ખાતે જ નિમણૂક અપાઈ હતી. આ હુકમ રદ્દ કરી હવે તેઓને તાલુકા વિકાસ અધિકારી, માળીયાહાટીના, જિ. જુનાગઢ તરીકે મૂકવામાં આવ્યા છે.

અન્ય મહત્વની બદલીઓ:
આ ઉપરાંત, વિભાગ દ્વારા અન્ય બે અધિકારીઓની પણ સીધી બદલીના આદેશો કરવામાં આવ્યા છે:
 * યજ્ઞેશકુમાર રતુભાઇ અડ: તેઓ તાલુકા વિકાસ અધિકારી, ખાનપુર, જિ. મહીસાગર તરીકે ફરજ બજાવતા હતા, જેઓની વહીવટી હિતમાં બદલી કરીને તાલુકા વિકાસ અધિકારી, ગલતેશ્વર, જિ. ખેડા તરીકે મૂકવામાં આવ્યા છે.
 * સુશ્રી પ્રિતિબેન ગાભાજી ઠાકોર: ગાંધીનગર ખાતે ગ્રામ વિકાસ કમિશનરની કચેરીમાં ચીટનીશ તરીકે કાર્યરત આ અધિકારીને પ્રતિનિયુક્તિના ધોરણે ગુજરાત જમીન વિહોણા મજૂરો અને હળપતિ ગૃહ નિર્માણ બોર્ડ, ગાંધીનગર ખાતે બદલીથી નિમણૂક આપવામાં આવી છે.

આ તમામ ફેરફારો તાત્કાલિક અસરથી અમલી બનશે અને સંબંધિત જિલ્લા વિકાસ અધિકારીઓ તથા તિજોરી અધિકારીઓને આ અંગેની જાણ કરી દેવામાં આવી છે.

(4:41 PM IST)