News of Wednesday, 1st April 2026
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય : ૭૫ વર્ષ જૂના ‘ટુકડા ધારા-૧૯૪૭’માં ધરખમ સુધારા, આઝાદી પછી પ્રથમવાર જટિલતાનો અંત
વર્ષ ૧૯૪૮થી અત્યાર સુધીના તમામ ટુકડા ધારાના ભંગ પેનલ્ટી વગર વિનિયમિત થશે : સમગ્ર રાજ્યમાં ૧૦ ગુંઠાનો એકસમાન નિયમ લાગુ કરાયો અને શહેરી વિસ્તારોને કાયદાની અસરમાંથી સંપૂર્ણ મુક્તિ અપાઈ

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે જમીન મહેસૂલ ક્ષેત્રે એક ક્રાંતિકારી અને સુવર્ણ નિર્ણય લીધો છે. આઝાદી કાળના ૭૫ વર્ષ જૂના ‘ટુકડા ધારા-૧૯૪૭’ માં વ્યાપક સુધારા કરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ ઐતિહાસિક વટહુકમ અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, આ સુધારાથી રાજ્યના લાખો ખેડૂતો અને જમીન ધારકોને મોટી રાહત મળશે અને વર્ષો જૂના કાયદાકીય ગૂંચવાડાઓનો કાયમી ઉકેલ આવશે.
જૂના ભંગ કોઈપણ દંડ વગર થશે વિનિયમિત:
રાજ્ય સરકારે ઉદારતા દાખવીને મોટો નિર્ણય કર્યો છે કે, વર્ષ ૧૯૪૮થી નવા કાયદાના અમલ સુધીમાં જે કિસ્સાઓમાં જમીનના નિયમ કરતા નાના ટુકડા પડ્યા હોય અથવા કાયદાનું ઉલ્લંઘન થયું હોય, તેવા તમામ જૂના ભંગને કોઈપણ પ્રકારનો દંડ વસૂલ્યા વગર ‘રેગ્યુલાઈઝ’ (વિનિયમિત) કરવામાં આવશે. અગાઉ જંત્રીના ૧૦ ટકા પેનલ્ટી ભર્યા પછી પણ વ્યવહારો ‘ફોક’ ગણાતા હતા, પરંતુ હવે આ તમામ વ્યવહારો આપોઆપ કાયદેસર ગણાશે. આ સુધારાથી હજારો ખરીદદારોના જમીન ટાઇટલ ક્લિયર થશે અને રેવન્યુ કોર્ટના કેસોનો નિકાલ આવશે.
સમગ્ર રાજ્યમાં ૧૦ ગુંઠાનો એકસમાન નિયમ:
અત્યાર સુધી રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં પિયત, બિનપિયત કે બાગાયત જમીન માટે ટુકડાના માપદંડો ભિન્ન હોવાથી ખેડૂતો મૂંઝવણમાં રહેતા હતા. હવે આ જટિલતા દૂર કરી સમગ્ર ગુજરાતના ગ્રામીણ વિસ્તારો માટે લઘુત્તમ ક્ષેત્રફળ ૧૦ ગુંઠા નક્કી કરવામાં આવ્યું છે. ખેતીની ગુણવત્તા અને વાયબિલિટી જાળવી રાખવા માટે હવેથી ૧૦ ગુંઠાથી ઓછો ટુકડો પાડી શકાશે નહીં.
શહેરી વિસ્તારો ટુકડા ધારામાંથી મુક્ત:
શહેરીકરણની ઝડપને ધ્યાને રાખીને મહાનગરપાલિકા, નગરપાલિકા અને શહેરી વિકાસ સત્તામંડળોના વિસ્તારોને આ ‘ટુકડા ધારા’ માંથી સંપૂર્ણપણે મુક્તિ આપવામાં આવી છે. આ નિર્ણયથી શહેરી વિસ્તારોમાં બિનખેતી (NA) ની પ્રક્રિયા, બાંધકામ અને જમીન લે-વેચના વ્યવહારો અત્યંત ઝડપી અને પારદર્શક બનશે, જેનાથી વિકાસને નવી ગતિ મળશે.
નિષ્ણાંત કમિટીના અભ્યાસ બાદ અમલીકરણ:
સેટલમેન્ટ કમિશનર બીજલ શાહના અધ્યક્ષપદે રચાયેલી કમિટીના ઊંડાણપૂર્વકના અભ્યાસ બાદ આ ભલામણો સ્વીકારવામાં આવી છે. રાજ્યપાલની મંજૂરી બાદ હવે રાષ્ટ્રપતિની મંજૂરી મળતા જ આ નવા સુધારાઓ રાજ્યમાં વિધિવત રીતે લાગુ પડશે. આ નિર્ણયથી ખેડૂતોની આર્થિક ઉન્નતિ થશે અને જમીન સંબંધી વિવાદોમાં થતા નાણાં અને સમયના વ્યયનો કાયમી અંત આવશે.
(5:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
