News of Wednesday, 1st April 2026
ગુજરાત પોલીસ તંત્રમાં મોટો ફેરફાર : 700થી વધુ પોલીસ ઇન્સ્પેક્ટરોની તાજેતરની બદલીના હુકમોમાં સુધારો : 4 પોલીસ ઇન્સ્પેક્ટરોને નવા સ્થળોએ નિમણૂક આપી વહીવટી પ્રક્રિયા તેજ કરાઈ
મુખ્ય પોલીસ વડા ડો. રાવ દ્વારા અનુભવના વૈવિધ્યકરણ અને વહીવટી ક્ષતિઓ સુધારવા લેવાયો મહત્વનો નિર્ણય : રાજકોટમાં ભૂતકાળમાં ફરજ બજાવી ગયેલ સુરતના ઇકોનોમિકસ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર સહિત 4 ને નવી જગ્યાએ મુકાયા

રાજકોટ:ગુજરાત રાજ્યના પોલીસ તંત્રમાં વહીવટી કાર્યક્ષમતા વધારવા અને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને પોલીસ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના મુખ્ય પોલીસ વડા (DG & IG) ડો. કે.એલ.એન. રાવ દ્વારા તાજેતરમાં 700 થી વધુ પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલીના હુકમોમાં આંશિક ફેરફાર કરવામાં આવ્યા છે. આ પ્રક્રિયા અંતર્ગત ખાસ કરીને 4 પોલીસ ઇન્સ્પેક્ટરો (બિનહથિયારી) ના બદલીના સ્થળોમાં ફેરફાર કરી તેમને તાત્કાલિક નવી જગ્યાએ હાજર થવા આદેશ અપાયા છે.
પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીની કચેરી, ગાંધીનગર દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર હુકમ મુજબ, અગાઉ તારીખ ૨૬/૦૩/૨૦૨૬ ના રોજ કરવામાં આવેલી બદલીઓમાં કેટલીક વહીવટી ક્ષતિઓ અને ભૌગોલિક અનુભવના પાસાઓને ધ્યાને રાખી આ સુધારો કરવામાં આવ્યો છે.
બદલીમાં ફેરફાર કરાયેલા અધિકારીઓની વિગત:
૧. એ.જે. અંસારી: તેઓ અગાઉ આણંદ ખાતે ફરજ બજાવતા હતા. તેમની બદલી સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ ખાતે કરવામાં આવી હતી, જેમાં સુધારો કરીને હવે તેમને નવું નિમણૂક સ્થળ ખેડા ફાળવવામાં આવ્યું છે.
૨. એમ.આર. બારોટ: બનાસકાંઠા ખાતે ફરજ બજાવતા આ અધિકારીની બદલી પી.ટી.સી. અમદાવાદ ખાતે કરવામાં આવી હતી, જે બદલી હવે સુધારીને તેમને પણ ખેડા ખાતે નિમણૂક આપવામાં આવી છે.
૩. બી.કે. ચૌધરી: સુરત શહેરમાં ફરજ બજાવતા આ અધિકારીની બદલી સુરેન્દ્રનગર કરવામાં આવી હતી, પરંતુ હવે તેમાં ફેરફાર કરી તેમને બનાસકાંઠા ખાતે મૂકવામાં આવ્યા છે.
૪. જે.એમ. હડીયા: સુરત શહેરના ઇકોનોમિક્સ ક્રાઇમ બ્રાન્ચમાં મહત્વની ભૂમિકા ભજવી ચૂકેલા અને ભૂતકાળમાં રાજકોટમાં પણ સેવા આપી ચૂકેલા આ અધિકારીની બદલી જી.પી.એ. કરાઈ ખાતે કરવામાં આવી હતી. હવે નવા હુકમ મુજબ તેમને અમદાવાદ શહેર ખાતે નિમણૂક આપવામાં આવી છે.
બદલી પાછળના મુખ્ય કારણો:
પોલીસ વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, મુખ્ય પોલીસ વડાનો અભિગમ છે કે પોલીસ અધિકારીઓને રાજ્યના વિવિધ ભૌગોલિક વિસ્તારો જેમ કે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રનો સમાન અનુભવ મળે. જે અધિકારીઓએ લાંબો સમય સાઉથ ગુજરાતમાં સેવા આપી છે, તેમને ઉત્તર ગુજરાત કે સૌરાષ્ટ્રમાં અને તેનાથી ઉલટું નિમણૂક આપીને તેમના કૌશલ્યનો વ્યાપ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે જે અધિકારીઓ લાંબા સમયથી એક જ સ્થાને અથવા એક્ઝિક્યુટિવ બ્રાન્ચમાં હતા, તેમને બદલીને વહીવટી પારદર્શિતા લાવવાનો હેતુ પણ આ નિર્ણય પાછળ રહેલો છે.
ઉપરોક્ત તમામ પોલીસ ઇન્સ્પેક્ટરોને પોતાની નવી જગ્યાએ તાત્કાલિક હાજર થઈને તે અંગેની જાણ ગાંધીનગર સ્થિત વહીવટી વિભાગની કચેરીને કરવા સૂચના આપવામાં આવી છે. આ ફેરફાર સાથે પોલીસ વિભાગમાં બદલીના આદેશોમાં રહી ગયેલી ક્ષતિઓ દૂર કરીને અધિકારીઓને ન્યાય આપવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો છે.
(6:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
