News of Wednesday, 1st April 2026
ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા TAT-S (માધ્યમિક) પરીક્ષાની તારીખમાં મોટો ફેરફાર : ૨૬ એપ્રિલના બદલે હવે ૩ મેના રોજ લેવાશે કસોટી
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય અને પેટા ચૂંટણીઓના કારણે પરીક્ષા પાછી ઠેલવાનો નિર્ણય : રાજ્ય પરીક્ષા બોર્ડના સચિવ દ્વારા સત્તાવાર પરિપત્ર જાહેર કરી તમામ ઉમેદવારોને નોંધ લેવા સૂચના અપાઈ

ગાંધીનગર:ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવામાં આવનાર "શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક) – ૨૦૨૬" (TAT-S) ના કાર્યક્રમમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ આ પરીક્ષા ૨૬/૦૪/૨૦૨૬ ના રોજ આયોજિત થનાર હતી, પરંતુ હવે તે બદલીને આગામી ૦૩/૦૫/૨૦૨૬ ના રોજ લેવાનું નક્કી કરવામાં આવ્યું છે.
ચૂંટણીના કારણે લેવાયો નિર્ણય:
રાજ્ય પરીક્ષા બોર્ડના સચિવ દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્ર ક્રમાંક: રાપબો/TAT-S/૨૦૨૬/૫૫૩૫-૭૫ મુજબ, રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા તા. ૦૧/૦૪/૨૦૨૬ ના પત્ર ક્રમાંક: ચટણ/સ્થા.સ્વ./૧૩(૬)/૦૪૨૦૨૬/ક-૯૬૪૭-૯૭૬૧ ની અખબારી યાદી જાહેર કરવામાં આવી હતી. આ યાદી અનુસાર, તા. ૨૬/૦૪/૨૦૨૬ ના રોજ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય અને પેટા ચૂંટણીઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરિસ્થિતિને ધ્યાને લેતા, પરીક્ષાની વ્યવસ્થા અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી TAT-S ની પ્રાથમિક કસોટીની તારીખમાં ફેરફાર કરવો અનિવાર્ય બન્યો છે.
અન્ય જોગવાઈઓ યથાવત રહેશે:
રાજ્ય પરીક્ષા બોર્ડની તા. ૧૨/૦૨/૨૦૨૬ ના રોજની જાહેરનામામાં દર્શાવેલી અન્ય તમામ શરતો, જોગવાઈઓ અને વિગતો યથાવત રહેશે. ઉમેદવારોએ પરીક્ષા સંબંધિત વધુ વિગતો અને સતત અપડેટ્સ માટે બોર્ડની સત્તાવાર વેબસાઇટ www.sebexam.org જોતા રહેવા વિનંતી કરવામાં આવી છે.
જાણ અર્થે રવાના કરાયેલ નકલ
આ નિર્ણયની જાણ અર્થે શિક્ષણ મંત્રીના અંગત સચિવ, શિક્ષણ મંત્રીનું કાર્યાલય, સચિવાલય, ગાંધીનગર; રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રીના અંગત સચિવ, રા.ક. શિક્ષણ મંત્રીનું કાર્યાલય; અગ્રસચિવ (પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ) ના અંગત સચિવ, શિક્ષણ વિભાગ; નિયામક, શાળાઓની કચેરી, વિદ્યા સમીક્ષા કેન્દ્ર; તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓ તથા સંયુક્ત સચિવ, ગુજરાત જાહેર સેવા આયોગને નકલ મોકલી આપવામાં આવી છે.
(7:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
