News of Wednesday, 1st April 2026
અમદાવાદ રેલવે ડિવિઝને જૂના રેકોર્ડ તોડીને નવો અધ્યાય લખ્યો :લોડિંગમાં સર્વકાલીન રેકોર્ડ :આવકમાં મોટો ઉછાળો
અમદાવાદ ડિવિઝને કુલ ₹9100 કરોડની જંગી આવક મેળવી: ગત વર્ષે મુસાફરોની સંખ્યા આશરે 3.5 કરોડ હતી જે આ વર્ષે વધીને 4 કરોડ સુધી પહોંચી ગઈ

અમદાવાદ રેલવે ડિવિઝને વિત્તીય વર્ષ 2025-26માં સફળતાના તમામ જૂના રેકોર્ડ તોડીને એક નવો અધ્યાય લખ્યો છે. માલસામાનના લોડિંગથી લઈને મુસાફરોની સંખ્યા અને રેલવેના માળખાગત વિકાસમાં ડિવિઝને અભૂતપૂર્વ પ્રદર્શન કર્યું છે. આ આંકડાઓ માત્ર ડિવિઝનની કાર્યક્ષમતા જ નહીં, પરંતુ પ્રદેશના આર્થિક વિકાસની ગતિને પણ દર્શાવે છે.
અમદાવાદ રેલવે ડિવિઝને આ વર્ષે લોડિંગ ક્ષેત્રે જબરદસ્ત સિદ્ધિ હાંસલ કરી છે. ડિવિઝન દ્વારા કુલ 51.13 મિલિયન ટન માલનું લોડિંગ કરવામાં આવ્યું છે, જે અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. ગત વર્ષની સરખામણીમાં આ વખતે 4.35 મિલિયન ટન વધુ માલસામાનનું વહન કરવામાં આવ્યું છે. આ વધારો દર્શાવે છે કે ઉદ્યોગો અને વ્યાપારી
રેકોર્ડબ્રેક લોડિંગની સીધી અસર રેલવેની તિજોરી પર પણ જોવા મળી છે. આ સમયગાળા દરમિયાન અમદાવાદ ડિવિઝને કુલ ₹9100 કરોડની જંગી આવક મેળવી છે. ગત વર્ષના આંકડા સાથે તુલના કરીએ તો, આ વખતે આવકમાં ₹58 કરોડનો નોંધપાત્ર વધારો નોંધાયો છે. આ આર્થિક મજબૂતી રેલવેના ભવિષ્યના પ્રોજેક્ટ્સ માટે ખૂબ જ મહત્વની સાબિત થશે.
રેલવે પ્રત્યે સામાન્ય જનતાનો વિશ્વાસ વધ્યો હોય તેવું આંકડાઓ પરથી સ્પષ્ટ જણાય છે. ગત વર્ષે મુસાફરોની સંખ્યા આશરે 3.5 કરોડ હતી, જે આ વર્ષે વધીને 4 કરોડ સુધી પહોંચી ગઈ છે. મુસાફરોની સુવિધામાં વધારો અને નવી ટ્રેનોના સંચાલનને કારણે આ સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો છે. આગામી સમર વેકેશનને ધ્યાનમાં રાખીને રેલવે દ્વારા વિશેષ ટ્રેનોની પણ જાહેરાત કરવામાં આવી છે, જેથી વેકેશનમાં પ્રવાસ કરનારાઓને રાહત મળી શકે.
માત્ર પરિવહન જ નહીં, પરંતુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે પણ અમદાવાદ ડિવિઝને ઝડપી કામગીરી કરી છે. આ વર્ષ દરમિયાન 153 રૂટ કિલોમીટર અને 163 ટ્રેક કિલોમીટરનું નવું નિર્માણ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે. આ નવા ટ્રેકથી ટ્રેનોની અવરજવર વધુ સરળ અને ઝડપી બનશે. આ ઉપરાંત, અમદાવાદ રેલવે સ્ટેશનને આધુનિક બનાવવા માટે રૂફ પ્લાઝાનું કામ પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે, જે આગામી વર્ષ સુધીમાં પૂર્ણ થવાની શક્યતા છે.
(8:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
