<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st April 2026

ગુજરાતમાં શ્રમયોગીઓના વેતનમાં મોટો વધારો : રાજ્યના શ્રમ આયુક્ત દ્વારા નવા લઘુત્તમ વેતન અને ખાસ ભથ્થાની જાહેરાત કરાઈ

તાબાની કચેરીઓને પરિપત્રિત કરવા આદેશ : ૦૧ એપ્રિલ ૨૦૨૬ થી ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૬ સુધીના છ માસના સમયગાળા માટે દૈનિક ૬૦.૫૦ રૂપિયા સુધીનું ખાસ ભથ્થું અમલી બનશે

ગાંધીનગર:શ્રમ આયુક્તની કચેરી, ગુજરાત રાજ્ય દ્વારા કોન્ટ્રાકટ મજૂર (નિયમન અને નાબુદી) અધિનિયમ, ૧૯૭૦ અને લઘુત્તમ વેતન અધિનિયમ, ૧૯૪૮ હેઠળ શ્રમયોગીઓના વેતનદરોમાં મહત્વનો સુધારો જાહેર કરવામાં આવ્યો છે. ગાંધીનગરના સેક્ટર ૧૦-એ સ્થિત કર્મયોગી ભવન ખાતેથી બહાર પાડવામાં આવેલી સત્તાવાર વિગતો મુજબ, રાજ્યના વિવિધ વ્યવસાયોમાં સંકળાયેલા કુશળ, અર્ધ કુશળ અને બિન કુશળ શ્રમયોગીઓને હવે નક્કી કરેલા મૂળ વેતન ઉપરાંત વધારાનું ખાસ ભથ્થું ચૂકવવાનું રહેશે.

નવા વેતનદરો અને ઝોન મુજબની વિગતો:
શ્રમ આયુક્ત દ્વારા જાહેર કરાયેલા દરો મુજબ, ઝોન-૧ માં કુશળ શ્રમયોગીઓ માટે દૈનિક મૂળ વેતન ૪૭૪.૦૦ રૂપિયા, અર્ધ કુશળ માટે ૪૫૨.૦૦ રૂપિયા અને બિન કુશળ શ્રમયોગીઓ માટે ૪૫૨.૦૦ રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. તેવી જ રીતે ઝોન-૨ ના વિસ્તારો માટે કુશળ શ્રમયોગીઓને દૈનિક ૪૫૨.૦૦ રૂપિયા, અર્ધ કુશળને ૪૫૨.૦૦ રૂપિયા અને બિન કુશળ શ્રમયોગીઓને ૪૪૧.૦૦ રૂપિયા મૂળ વેતન તરીકે ચૂકવવાના રહેશે. અહીં ઝોન-૧ માં મ્યુનિસીપલ કોર્પોરેશન, નગરપાલિકા અને શહેરી વિકાસ સત્તામંડળો હેઠળના વિસ્તારોનો સમાવેશ થાય છે, જ્યારે બાકીના તમામ વિસ્તારો ઝોન-૨ માં ગણાશે. આ વેતનદરો તા. ૨૪-૦૪-૨૦૨૩ થી અમલમાં છે.

જીવન નિર્વાહ ભથ્થામાં વધારો:
મૂળ વેતન ઉપરાંત, શ્રમયોગીઓને જીવન નિર્વાહના આંક પર આધારિત ખાસ ભથ્થું આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે. તા. ૦૧-૦૪-૨૦૨૬ થી ૩૦-૦૯-૨૦૨૬ સુધીના છ માસના સમયગાળા માટે, ૪૬ અનુસૂચિત વ્યવસાયો તેમજ શીપ બ્રેકીંગ અને સ્વીપીંગ-કલીનીંગ કામના શ્રમયોગીઓને દૈનિક ૬૦.૫૦ રૂપિયા ખાસ ભથ્થું મળશે. જ્યારે ઈંટ ઉત્પાદન, જરી ઉદ્યોગ, રેડીમેડ ગારમેન્ટ, મીઠા ઉદ્યોગ, તમાકુ-બીડી ઉદ્યોગ અને કૃષિ વ્યવસાય જેવા છ ચોક્કસ વ્યવસાયોમાં કામ કરતા શ્રમયોગીઓ માટે દૈનિક ૧૪૭.૦૦ રૂપિયા ખાસ ભથ્થું નિર્ધારિત કરવામાં આવ્યું છે.

વહીવટી તંત્રને કડક અમલ માટે સૂચના:
આ નવા દરોનો અમલ થાય તે જોવા માટે શ્રમ નિયામક, ગુજરાત રાજ્ય દ્વારા સૂચના આપવામાં આવી છે. આ અંગેની નકલ અધિક શ્રમ આયુક્ત અને ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, સુરત તથા રાજકોટના નાયબ શ્રમ આયુક્તોને જરૂરી કાર્યવાહી માટે રવાના કરવામાં આવી છે. મદદનીશ શ્રમ આયુક્ત, ગાંધીનગર દ્વારા આ વિગતો પ્રમાણિત કરવામાં આવી છે. જે વ્યવસાયો લઘુત્તમ વેતન અધિનિયમની અનુસૂચિમાં આવતા નથી, તેમને પણ આ પરિપત્ર મુજબનું વેતન ચૂકવવાનું રહેશે તેવી સ્પષ્ટતા કરવામાં આવી છે.

(9:43 PM IST)