News of Wednesday, 1st April 2026
ભાજપ હંમેશા જનતાની વચ્ચે રહીને કામ કરે છે: હાર માટે તો કોંગ્રેસ પાર્ટી છે, સતા માટે વલખા મારી રહી છે : ભાજપના કોંગ્રેસ પર પ્રહાર
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખ જાહેરાત થતા આચારસંહિતાના અમલ સાથે જ ભાજપ-કોંગ્રેસ વચ્ચે શાબ્દિક યુદ્ધ શરૂ થયું

અમદાવાદ : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. રાજ્ય ચૂંટણી કમિશનર ડૉ. એસ. મુરલી ક્રિષ્ણા દ્વારા આજે તારીખોની જાહેર કરવામાં આવી છે. આ જાહેરાતની સાથે જ સમગ્ર ગુજરાતમાં આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે. જેથી રાજકીય પક્ષોમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ચૂંટણી તારીખો જાહેર થતાં રાજકીય પક્ષોએ પોતાની પ્રતિક્રિયાઓ આપી છે. પક્ષો આ ચૂંટણી જીતવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ભાજપ સરકારે તો ચૂંટણી તારીખો જાહેર થઈ ન હતી તે પહેલા જ રૂ.3,440 કરોડના 2342 કામોને મંજૂરી આપી દીધી હતી.
રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરેલી ચૂંટણી તારીખો મુજબ આગામી 6 એપ્રિલના રોજ ચૂંટણીનું સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે. ઉમેદવારો 11 એપ્રિલ સુધી પોતાની ઉમેદવારી નોંધાવી શકશે. ત્યારબાદ 13 એપ્રિલના રોજ ફોર્મની ચકાસણી કરવામાં આવશે અને જો કોઈ ઉમેદવાર પોતાનું નામ પાછું ખેંચવા માંગતા હોય તો તેઓ 15 એપ્રિલ સુધીમાં ખેંચી શકશે. સમગ્ર રાજ્યમાં એક જ તબક્કે 26 એપ્રિલના રોજ સવારે 7:00 થી સાંજના 6:00 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલશે. જેનું પરિણામ 28 એપ્રિલના રોજ જાહેર થતાં જ ઉમેદવારનો ભવિષ્ય ખબર પડશે.
આ વખતે રાજ્યની કુલ 15 મહાનગરપાલિકાઓમાં ચૂંટણી થવા જઈ રહી છે. આ ઉપરાંત 84 નગરપાલિકાઓ, 260 તાલુકા પંચાયતો અને 34 જિલ્લા પંચાયતો માટે મતદાન થશે. નોંધનીય છે કે, આ વખતે 33 જૂની જિલ્લા પંચાયતોની સાથે નવરચિત વાવ-થરાદ જિલ્લા પંચાયતની ચૂંટણી પણ યોજાવા જઈ રહી છે, જે ઉત્તર ગુજરાતના રાજકારણમાં ગરમાવો લાવશે. આ જીલ્લામાં સૌ કોઈની નજર મંડાયેલી છે.
રાજ્ય ચૂંટણી આયોગે આજે મતદાર યાદી પણ જાહેર કરી છે. આ આંકડાઓ મુજબ ગુજરાતમાં કુલ 4 કરોડ 18 લાખ મતદારો નોંધાયેલા છે. જેમાં શહેરી વિસ્તાર એટલે કે 15 મનપામાં 1.10 કરોડથી વધુ મતદારો છે. જ્યારે નગરપાલિકાઓમાં 33.66 લાખ અને જિલ્લા-તાલુકા પંચાયતોમાં 2.74 કરોડથી વધુ મતદારો ગ્રામીણ સરકાર પસંદ કરશે. મતદાન માટે 49,591 મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે. વહીવટી તંત્ર દ્વારા 11,000 મથકોને સંવેદનશીલ અને 3,300 મથકોને અતિસંવેદનશીલ શ્રેણીમાં મૂકવામાં આવ્યા છે. આ પ્રક્રિયામાં 996 ચૂંટણી અધિકારીઓ અને 2.61 લાખથી વધુ કર્મચારીઓનો સ્ટાફ જોડાશે.
સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ કહ્યું કે, "અમે ચૂંટણી પંચની જાહેરાતને વધાવીએ છીએ. ભાજપ હંમેશા જનતાની વચ્ચે રહીને કામ કરે છે. ટૂંકા ગાળામાં મોટી સંખ્યામાં લોકપ્રતિનિધિઓ ચૂંટવાનો આ અવસર છે. વધુમાં જીતુભાઈ વાઘાણીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. કહ્યું કોંગ્રેસે અત્યારથી જ હાર માની લીધી છે. હાર માટે કોઈ પાર્ટી હોય તો તે કોંગ્રેસ છે. કોંગ્રેસ સત્તા માટે વલખા મારી રહી છે. " જ્યારે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા એ શાસક પક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે, "કોંગ્રેસે ગામડાઓ અને વોર્ડ સ્તરની સમસ્યાઓ જાણી છે. અમે આ વખતે સ્થાનિક ચૂંટણી સમિતિને ઉમેદવાર પસંદ કરવાની સ્વાયત્તતા આપી છે. પરિવર્તન નિશ્ચિત છે કારણ કે જનતા મોંઘવારી અને ભ્રષ્ટાચારથી કંટાળી ગઈ છે."
(11:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
