<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd April 2026

ગુજરાતને બદનામ કરનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે: વિપક્ષી નેતાઓને સાચો રસ્તો બતાવવા ડે .સીએમ હર્ષભાઈ સંઘવીનું આહવાન

ગુજરાત દેશનું સૌથી સુરક્ષિત રાજ્ય ઓળખાય છે : સવારના 4 વાગ્યા સુધી બહેનોએ નવરાત્રી રમી, આ ભાજપ શાસન છે

અમદાવાદ :ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. આ દરમિયાન રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ એક જાહેર કાર્યક્રમમાં વિપક્ષો પર આકરા પ્રહાર કરતા રાજ્યની સુરક્ષા અને વિકાસનો મુદ્દો ગજવ્યો હતો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ગુજરાત આજે દેશનું સૌથી સુરક્ષિત રાજ્ય તરીકે ઓળખાય છે, અને આ ઓળખને ભૂંસવા માંગતા લોકો સામે જનતા લાલ આંખ કરશે.

 

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ નવરાત્રીનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, "આ ભાજપનું શાસન છે જ્યાં આપણી બહેન-દીકરીઓ સવારના 4 વાગ્યા સુધી નિર્ભય બનીને ગરબે રમી શકે છે." તેમણે અન્ય રાજ્યોની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સાથે ગુજરાતની તુલના કરતા કહ્યું કે જે લોકો ગુજરાતની સુરક્ષા પર સવાલ ઉઠાવે છે, તેમને અન્ય રાજ્યોની વાસ્તવિકતા તપાસવી જોઈએ. રાજ્યમાં ચારેય દિશાઓમાં થયેલા અભૂતપૂર્વ વિકાસને તેમણે ભાજપની પ્રતિબદ્ધતા ગણાવી હતી.

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ કાર્યકરોને આહવાન કર્યું હતું કે ગુજરાતને બદનામ કરવાના હેતુથી રચવામાં આવતા ષડયંત્રોનો જનતા જડબાતોડ જવાબ આપશે. તેમણે કહ્યું કે વિકાસ વિરોધી માનસિકતા ધરાવતા લોકોને સાચો રસ્તો બતાવવાનો આ શ્રેષ્ઠ સમય છે. ચૂંટણી જાહેરાત પૂર્વે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના આ નિવેદનને ભાજપના આક્રમક પ્રચારની શરૂઆત માનવામાં આવી રહી છે. સંગઠન અને સરકાર વચ્ચેના તાલમેલ દ્વારા ભાજપ ફરી એકવાર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પર કબજો જમાવવા સજ્જ દેખાઈ રહ્યું છે.

(12:36 AM IST)