<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd April 2026

અમદાવાદ-ગાંધીનગરમાં IPL મેચના દિવસોમાં મેટ્રો ટ્રેન મધ્યરાત્રિના ૧૨:૩૦ સુધી દોડશે: ક્રિકેટ પ્રેમીઓ માટે GMRCનો મહત્વનો નિર્ણય

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાનાર ૭ મેચો માટે ખાસ વ્યવસ્થા : મોટેરાથી પરત ફરવા રૂ. ૫૦ની સ્પેશિયલ પેપર ટિકિટ બહાર પાડી : રાત્રે ૧૦ વાગ્યા પછી ટોકન કે સ્માર્ટ કાર્ડ માન્ય રહેશે નહીં

અમદાવાદ:નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આગામી TATA IPL મેન્સ T-20 ડે/નાઈટ ક્રિકેટ મેચોના શિડ્યુલને ધ્યાનમાં રાખીને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા મુસાફરોની સુવિધા માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી તા. ૦૪/૦૪/૨૦૨૬, ૧૭/૦૪/૨૦૨૬, ૨૦/૦૪/૨૦૨૬, ૨૬/૦૪/૨૦૨૬, ૩૦/૦૪/૨૦૨૬, ૦૩/૦૫/૨૦૨૬ અને ૧૨/૦૫/૨૦૨૬ ના રોજ યોજાનાર મેચના દિવસોમાં અમદાવાદ અને ગાંધીનગર બંને રૂટ પર મેટ્રો સેવાઓ મધ્યરાત્રિના ૧૨:૩૦ વાગ્યા સુધી લંબાવવામાં આવી છે.

વિસ્તૃત સમયનું આયોજન:
સામાન્ય દિવસોમાં અમદાવાદમાં મેટ્રો સેવા રાત્રે ૧૦:૦૦ વાગ્યા સુધી અને ગાંધીનગરમાં રાત્રે ૦૭:૪૦ વાગ્યા સુધી કાર્યરત હોય છે. પરંતુ મેચના દિવસોમાં રાત્રે ૧૦:૦૦ વાગ્યા પછી નીચે મુજબ વિશેષ ટ્રેનો દોડશે:
 * મોટેરા સ્ટેડિયમ થી એપીએમસી: રાત્રે ૧૦:૦૦ થી મધ્યરાત્રિના ૧૨:૩૦ સુધી.
 * ઓલ્ડ હાઇકોર્ટ ઇન્ટરચેન્જથી વસ્ત્રાલ ગામ: રાત્રે ૧૦:૦૦ થી મધ્યરાત્રિના ૧૨:૫૦ સુધી.
 * ઓલ્ડ હાઇકોર્ટ ઇન્ટરચેન્જથી થલતેજ ગામ: રાત્રે ૧૦:૦૦ થી મધ્યરાત્રિના ૧૨:૫૦ સુધી.
 * મોટેરા સ્ટેડિયમ થી મહાત્મા મંદિર (ગાંધીનગર): રાત્રે ૧૧:૪૦ અને ૧૨:૧૦ કલાકે ટ્રેન ઉપડશે.

સ્પેશિયલ પેપર ટિકિટની સુવિધા:
GMRC દ્વારા મેચ બાદ મોટેરા અને સાબરમતી સ્ટેશન પર ભીડ ટાળવા માટે ₹ ૫૦ની ફ્લેટ રેટની સ્પેશિયલ પેપર ટિકિટ રજૂ કરવામાં આવી છે. આ ટિકિટ અંગેની મુખ્ય વિગતો નીચે મુજબ છે:
 * આ ટિકિટનો ઉપયોગ મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી મેટ્રો સ્ટેશનથી કોઈપણ કાર્યરત સ્ટેશન સુધી જવા માટે કરી શકાશે.
 * રાત્રે ૧૦:૦૦ વાગ્યા પછી પ્રવેશ માટે માત્ર સ્પેશિયલ પેપર ટિકિટ જ માન્ય રહેશે.
 * સ્માર્ટ કાર્ડ, ટોકન કે QR ટિકિટ રાત્રે ૧૦:૦૦ વાગ્યા સુધી જ નિયમિત ભાડા પર ચાલશે. અગાઉથી ખરીદેલ ટોકન કે એપની ટિકિટ ૧૦ વાગ્યા પછી ચાલશે નહીં.

ટિકિટ ક્યાંથી ખરીદવી?
મુસાફરો મેચ જોવા જતી વખતે જ નિરાંત ક્રોસ રોડ, રબારી કોલોની, એપેરલ પાર્ક, કાલુપુર, ઓલ્ડ હાઇકોર્ટ, થલતેજ, મોટેરા, સાબરમતી, રાણીપ, વાડજ, જીવરાજ પાર્ક, જીએનએલયુ, ઇન્ફોસિટી, સેક્ટર-૧ અને મહાત્મા મંદિર સ્ટેશનો પરથી એડવાન્સમાં પેપર ટિકિટ ખરીદી શકશે, જેથી પરત ફરતી વખતે લાઈનમાં ઉભા રહેવું ન પડે. લંબાવેલ સમય દરમિયાન મુસાફરો માત્ર મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી સ્ટેશન પરથી જ ટ્રેનમાં બેસી શકશે.

(7:48 PM IST)