<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd April 2026

અરવલ્લી જિલ્લામાં ઉમેદવારોની પસંદગી માટે ભાજપની ‘સેન્સ’ પ્રક્રિયા :મોડાસા-બાયડ માટે દાવેદારોનો ધસારો

પ્રદેશ ભાજપ દ્વારા ખાસ નિયુક્ત કરવામાં આવેલા નિરીક્ષકોએ સ્થાનિક કાર્યકરો અને દાવેદારો સાથે સીધો સંવાદ કરી લોકપ્રિયતા અને પક્ષ પ્રત્યેની વફાદારીના માપદંડો ચકાસ્ય

મોડાસા: ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. આ ચૂંટણી જંગમાં જીતનો સિલસિલો જાળવી રાખવા માટે ભારતીય જનતા પાર્ટીએ સંગઠન સ્તરે તૈયારીઓ શરૂ કરી દીધી છે, જેના ભાગરૂપે અરવલ્લી જિલ્લામાં ઉમેદવારોની પસંદગી માટે મહત્વપૂર્ણ ગણાતી ‘સેન્સ’ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. મોડાસા અને બાયડ ખાતે પ્રદેશ ભાજપ દ્વારા ખાસ નિયુક્ત કરવામાં આવેલા નિરીક્ષકોએ સ્થાનિક કાર્યકરો અને દાવેદારો સાથે સીધો સંવાદ કરી લોકપ્રિયતા અને પક્ષ પ્રત્યેની વફાદારીના માપદંડો ચકાસ્યા હતા.

 

અરવલ્લી જિલ્લાની રાજકીય સ્થિતિ પર નજર કરીએ તો, આ પ્રક્રિયા દરમિયાન જિલ્લા પંચાયતની 30 બેઠકો અને વિવિધ તાલુકા પંચાયતોની 146 બેઠકો માટે સેંકડો કાર્યકરોએ પોતાની દાવેદારી રજૂ કરી હતી. આ ઉપરાંત, શહેરી વિસ્તારોમાં પ્રભુત્વ જમાવવા માટે મોડાસા અને બાયડ નગરપાલિકાની કુલ 60 બેઠકો માટે પણ પક્ષના વરિષ્ઠો અને યુવા કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. નિરીક્ષકોએ માત્ર નામો એકત્રિત કરવાને બદલે સ્થાનિક જાતિગત સમીકરણો, ગત ચૂંટણીના પરિણામો અને વિસ્તારના પડતર પ્રશ્નો અંગે પણ આગેવાનો પાસેથી ફીડબેક મેળવ્યો હતો.

 

નોંધનીય છે કે, ભાજપ દ્વારા આ વખતે 'નો રિપીટ થીયરી' અથવા નવા ચહેરાઓને પ્રાધાન્ય આપવાની શક્યતાઓને જોતા ટિકિટ મેળવવા માટે દાવેદારોમાં ભારે ખેંચતાણ જોવા મળી રહી છે. મોડાસા અને બાયડના કેન્દ્રો પર વહેલી સવારથી જ સમર્થકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા, જે પક્ષની મજબૂત પકડનો સંકેત આપે છે. નિરીક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવેલો આ વિગતવાર અહેવાલ હવે પ્રદેશ ભાજપની પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવશે. અંતિમ મંજૂરી બાદ પ્રદેશ હાઈકમાન્ડ દ્વારા સત્તાવાર ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે. હવે જોવાનું એ રહેશે કે શિસ્તબદ્ધ ગણાતા આ પક્ષમાં કોને મેદાનમાં ઉતારવામાં આવે છે અને કોનું પત્તું કપાય છે

(11:04 PM IST)